જન્માષ્ટ્રમીના પર્વને લઈને અમદાવાદથી ઓખા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે
અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમજ હવે જન્માષ્ટ્રમીના તહેવારો શરૂ થશે. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા દર્શન કરવા જાય છે. શ્રદ્ધાળુઓ સરળતાથી દ્વારકા જઈ શકે તે માટે ઓખા સુધીની વિશેષ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની કુલ 6 ટ્રીપ વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 17 અને 18 ઓગસ્ટ 2022 ના રોજ અમદાવાદ થી સાંજે 7.30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 4 કલાકે ઓખા પહોંચશે. આ જ રીતે ટ્રેન ઓખા-અમદાવાદ સ્પેશિયલ તારીખ 14, 20 અને 21 ઓગસ્ટ 2022 ના રોજ ઓખા થી રાત્રે 11.45 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 8.45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન ચાંદલોડીયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.