પટનાઃ બિહારમાં સત્તા પરિવર્તન બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે. નીતિશ કુમારેએ NDA છોડીને મહાગઠબંધન સાથે મળી સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. નીતિશ પોતે મુખ્યમંત્રી હતા અને આરજેડી નેતા તેજસ્વી યાદવે બીજી વખત નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. બીજી તરફ, સત્તાથી બહાર રહેલ ભાજપ હવે સીએમ નીતિશ કુમાર અને મહાગઠબંધન સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યું છે. બિહારમાં પાંચ દિવસ પહેલા નીતિશ કુમારના નેતૃત્વમાં બનેલી મહાગઠબંધન સરકારનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
મહાગઠબંધન સરકારના અનેક મંત્રીઓએ રાજભવનના રાજેન્દ્ર મંડપમ ખાતે શપથ લીધા. કેબિનેટ વિસ્તરણમાં આરજેડીનો દબદબો જોવા મળ્યો હતો. કોંગ્રેસ અને જીતન રામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાની અવમ મોરચા (HUM) પણ કેબિનેટમાં સામેલ થયા. કોંગ્રેસના બે, હમમાંથી એક અને એક અપક્ષ ધારાસભ્યે પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.
લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને ફરીથી નીતિશ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. જ્યારે આલોક મહેતાના પુત્ર સુધાકર સિંહ અને પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમીર મહાસેઠને પણ RJD ક્વોટામાંથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.
જેડીયુએ નવી સરકારના મંત્રીમંડળમાં પોતાના મંત્રીઓમાં બહુ ફેરબદલ નથી કર્યો. વિજય કુમાર ચૌધરી, વિજેન્દ્ર પ્રસાદ યાદવ, લેસી સિંહ, અશોક ચૌધરી, શ્રવણ કુમારને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. નવી સરકારના મંત્રીમંડળ વિસ્તારમાં કેટલાક ધારાસભ્યોને સ્થાન નહીં આપવામાં આવતા તેમનામાં નારાજગી ફેલાઈ છે. બીજી તરફ બિહારમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપમાં બેઠકનો દોર શરૂ થયો છે.