રાજકોટ:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 17 ઓગસ્ટે ‘‘આઝાદીના અમૃત લોકમેળા’’નો શુભારંભ
રાજકોટ:સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટની ધરતી ઉપર પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનું મુખ્ય આકર્ષણ એટલે રાજકોટના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ મેદાન પર આયોજિત ‘‘આઝાદીનો અમૃત લોકમેળો’’. રાજકોટના રેસકોર્સ મેદાનમાં કાલે એટલે કે બુધવારે સાંજે 5 વાગ્યે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાશે.
જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે મેળાનું નામ ‘આઝાદીનો અમૃત લોકમેળો’ નક્કી કરાયું છે. જેમાં લોકોને સલામત, સસ્તુ, સ્વચ્છ મનોરંજન મળે અને હાઈજેનિક ફૂડ મળે તે માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.
કોવિડ પરિસ્થિતિને કારણે બે વર્ષના લાંબા સમયગાળા પછી જયારે આ લોકમેળો યોજાવા જઈ રહ્યો છે,ત્યારે આ લોકમેળાના ઉદઘાટન સમારંભમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, રાઘવજીભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, બ્રિજેશકુમાર મેરજા,આર. સી. મકવાણા તથા મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર ઉપસ્થિત રહેશે.સંસદસભ્યો મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા તેમજ ધારાસભ્યો કુંવરજીભાઈ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડિયા, લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઈ વસોયા, મોહંમદ જાવેદ પીરઝાદા, લલીતભાઈ કગથરા, ઋત્વીક્ભાઈ મકવાણાની પણ આ સમારંભમાં પ્રેરક ઉપસ્થિતિ રહેશે.