અમદાવાદમાં સમીસાંજ બાદ બોપલ, થલતેજ સહિત વિસ્તારોમાં દોઢ ઈંચ વરસાદથી રોડ પર પાણી ભરાયાં
અમદાવાદઃ શહેરમાં સમીસાંજ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને એક કલાકમાં ગોતા, ન્યુ રાણીપ, ચાંદખેડા, જગતપુર, મોટેરા, સાબરમતી, બોપલ, થલતેજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે બોડકદેવ, વસ્ત્રાપુર, સાયન્સ સિટી, સેટેલાઇટ વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. સાંજે 6.30 બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થયા છે. તેમજ નિચાણવાળા વિસ્તારો અને રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે વરસાદી માહોલમાં ઓફિસથી ઘરે જતાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદ શહેરમાં મંગળવારે સમી સાંજ બાદ બોપલ થલતેજ સહિત કેટલાક વિસ્તારોમાં ઘોગમાર વરસાદ પડ્યો હતો. રાત્રે ન્યુ રાણીપ, વૈષ્ણવદેવી સર્કલ, એસજી હાઇવે ગોતા, ચાંદખેડા, મોટેરા, સાબરમતી, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બોપલ, શીલજ, શેલા, શ્યામલ સર્કલ, પ્રહલાદનગર, એસજી હાઇવે સહિતના વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ પડયો હતો. સમી સાંજના સમયે વરસાદના કારણે ઓફિસેથી ઘરે પરત ફરતા લોકો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામમાં ફસાયા હતા. અમદાવાદમાં શહેરમાં મંગળવારે વહેલી સવારે પણ અનરાધાર વરસાદ પડ્યો હતો વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતા.
અમદાવાદ શહેરમાં સોમવારે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં સરખેજ, મકરબા, મકતમપુરા, એસજી હાઇવે વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બે ઇંચ જેટલો વરસાદ પડતાં વેજલપુર શ્રીનંદનગરમાં પાણી ભરાઇ ગયાં હતાં.વાહનચાલકોએ લાઈટ ચાલુ કરીને ફરજિયાત વાહન ચલાવવાની ફરજ પડી હતી. જોધપુર, મકતમપુરા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપુર, ટાગોર હોલ વિસ્તારમાં દોઢ ઇંચ, જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રામોલ, દૂધેશ્વર, વટવા, જમાલપુર, લાલદરવાજા, દરિયાપુર, શાહપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મંગળવારે પણ શહેરમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડ્યા હતા. જેમાં સમીસાંજ બાદ કેટલાક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હતો. મણિનગરના આવકાર હોલથી હાટકેશ્વર સર્કલ તરફ જતી વખતે આવેલા ગુરૂજી ફ્લાય ઓવર બ્રિજ ઉપર સેવેંથ ડે સ્કૂલ નજીક બ્રિજના કોર્નર પરના રોડ પર પાણી ભરાયાં હતા.