સુરતઃ રાજ્યમાં હવે યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં પણ રાજકીય પક્ષો પોતાનું પ્રભુત્વ ઊભુ કરવા માટે લડતા હોય છે. ત્યારે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી મંગળવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના એબીવીપી અને આપના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો બિચક્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે બપોરે 12 વાગ્યે પહેલીવાર મારામારી થઈ હતી. ત્યારબાદ ફરી 4 વાગ્યે બીજીવાર મારામારી થઈ હતી. જેમાં યુનિવર્સિટીમાં લગાવેલા બેરિકેડ પણ ઉખાડી ફેંક્યા હતા અને એકબીજાને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં સીવાયએસએસના એક કાર્યકરને માથાના ભાગે ઇજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મુદ્દો શાંત કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ત્રણ દિવસ પહેલા મતદાનના સમયે પણ મારામારી થઈ હતી.
એનએસયુઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, સેનેટની ચૂંટણીની મતગણતરી દરમિયાન છાત્ર યુવા સંઘર્ષ સંમિતિ અને એબીવીપીની માથાકૂટ થઈ હતી. મારામારી દરમિયાન પોલીસે પગલાં ન લઈને જરાં પણ ભાગ ભજવ્યો ન હતો. વિદ્યાર્થી માટે પોલીસની દમનગીરી જેવું દેખાઈ રહ્યું હતું. પોલીસ એક પક્ષનું સાંભળીને કામગીરી કરી રહી હોવાનું લાગી રહ્યું હતું. આપના વિરોધ પક્ષના નેતાને એબીવીપીના સભ્યોએ માર માર્યો હતો. પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે તેવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, સેનેટની ચૂંટણીની મતગણતરી દરમિયાન એબીવીપી અને આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતા (CYSS)છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે નજીવી બાબતે માથાકૂટ સર્જાઈ હતી. બોલાચાલીથી શરૂ થયેલો મુદ્દો હાથાપાઈ પર ઉતરી આવ્યો હતો. જેમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડાસરિયાના માથાના ભાગે વાગતા તેને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી હતી. વિદ્યાર્થી સંગઠનો વચ્ચે સર્જાયેલી મારામારી અને પગલે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જેથી ઘટનાની ગંભીરતાને જોતા ડીસીપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં ડીસીબી સાગર તથા સચિન, સચિન જીઆઇડીસી, ઉમરા, ડીસીબી, એસઓજી સહિતના પોલીસ સ્ટેશનના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના વધુ વણસે તે પહેલા તેના પર કાબૂ મેળવ્યો હતો. દરમિયાન ધર્મેશ સાંકડાસરિયાએ કહ્યું હતું કે, રાકેશભાઈ પર હુમલો થયો હતો. તેથી પોતે ત્યાં ગયા હતા અને વીડિયો ઉતારી રહ્યા હતા. દરમિયાન ખેસ પહેરેલા અને વીડિયો કેમ ઉતારે છે કહી મને માર માર્યો હતો.