ગુજરાતમાં મગફળીનું વાવાતર ભલે ઘટ્યું પણ અનુકૂળ વાતાવરણને લીધે ઉત્તારો વધવાની શક્યતા
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં સારા વરસાદને કારણે ખરીફપાકનું વિપુલ ઉત્પાદન થવાની શક્યતા છે. ગત વર્ષે કપાસના રેકોર્ડબ્રેક ભાવ ખેડુતોને મળ્યા હતા. તેથી આ વખતે ખરીફ સીઝનમાં કપાસના વાવેતરમાં સારોએવો વધારો થયો છે. જ્યારે મગફરીના વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘટાડો થયો છે. એટલે કે મગફળીના વાવેતરમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે, પરંતુ પાકની તંદુરસ્તી જોતા વાવેતરની ખાધ ઊંચી ઉત્પાદકતાથી પૂરાય જાય એવી શક્યતા વધી છે. સૌરાષ્ટ્રભરમાં મોટાભાગની મગફળી દોઢથી અઢી મહિનાની ઉંમરની થઇ ગઇ છે. હવે ડોડવા બંધાવાનું શરૂ થયું છે. વરસાદ અટકીને દસેક દિવસ સુધી વરાપ મળે તો ઉત્પાદનમાં વધારો થશે. એવું ખેડુતોનું માનવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં મગફળીનું વાવેતર આ વર્ષે 17 લાખ હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષના 19 લાખ હેક્ટર કરતા 11 ટકા ઓછું છે. ગત વર્ષે મગફળીના ભાવ કપાસ કરતા ઓછાં મળ્યા હતા એટલે ખેડૂતોનો ઝોક પહેલેથી કપાસ તરફ રહ્યો હતો. પરિણામે મગફળીનું વાવેતર ઓછું થયું હતું. જોકે ઉત્પાદનમાં વધારો થાય તો વાવેતરની ખાધ દેખાશે નહીં. મગફળીનું વાવેતર કચ્છ જિલ્લામાં 55,900 હેક્ટરમાં વાવેતર છે. ઉત્તર ગુજરાતમાં 2.87 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. મધ્ય ગુજરાતમાં 8400 હેક્ટર, સૌરાષ્ટ્રમાં 13.36 લાખ હેક્ટર અને દક્ષિણ ગુજરાતમાં 5500 હેક્ટરમાં વાવણી થઇ છે.
કૃષિ વિભાગના સૂત્રોના કહેવા મુજબ ચાલુ સપ્તાહે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હતી, પરંતુ છૂટોછવાયો માફકસર વરસાદ મોટેભાગે થયો છે એટલે મગફળીના પાકમાં ખાસ સમસ્યા થઇ નથી. ખેડૂતોને માગ્યો મેહ ફક્ત પાણ જેટલો જ મળ્યો છે એટલે રાહત છે. વધારે વરસાદ પડ્યો હોત તો નુક્સાની જવાની શક્યતા હતી. જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધારે પડ્યો છે ત્યાં મગફળીમાં પીળીયો રોગ છે અને કેટલાક તાલુકાઓમાં મુંડાનો ઉપદ્રવ પણ દેખાય છે. જ્યાં જ્યાં અતિ વરસાદ પડ્યો છે ત્યાં પીળીયાની ફરિયાદ છે. જોકે તે કુલ પાકના કદાચ દસ ટકા જેટલા છે. છતાં હવે વરાપ નીકળ્યો હોવાથી નુક્સાનીની વાત નથી. મગફળીના પાકને હવે તાપની જરૂર છે. ડોડવા હવે સારાં બસી રહ્યા છે એટલે ઝાપટાં ન પડે અને વરાપ મળે એ જરૂરી છે.
સોરઠ પંથકના ખેડુતોના કહેવા મુજબ મગફળીના પાકને દસ પંદર દિવસ સુધી તડકાંની આવશ્યકતા છે. તડકો પડતો રહે તો પાકમાં કોઇ સમસ્યા નથી. દસેક દિવસ પૂરતો ઉઘાડ મળે તો વીઘે 15થી 20 મણ જેટલા ઉતારા મળે એવી પૂરતી સંભાવના છે. જ્યાં પાણ થઇ ગયા છે ત્યાં હવે વરસાદ નહીં પડે તો પણ ખેડૂતોને સમસ્યા થાય એમ નથી. વરસાદી ખેતી ધરાવતા ખેડૂતોને પંદર દિવસ પછી ચાર પાંચ ઇંચ વરસાદની આવશ્યકતા રહેશે. છતાં હાલની પરિસ્થિતિએ પાકમાં કોઇ સમસ્યા નથી. સારા ઉતારા અંગે આશાવાદ છે.