ગુજરાતમાં ગ્રાટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓને સાતમા પગાર પંચના બાકી હપતા હજુ ચુકવાયા નથી
અમદાવાદઃ રાજ્યના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી પોતાના વિવિધ પ્રશ્નો અંગે સરકારને રજુઆતો કરી રહ્યા છે. ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ સરકારની નીતિરીતિથી પરેશાન છે. ઘણા સંચાલકોએ તો શાળાઓ બંધ કરવા પણ સરકારમાં અરજી કરી દીધી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને હજુ સાતમા પગાર પંચના બાકી હપતા ચુકવાયા નથી. આથી શિક્ષક સંઘ મહામંડળે સરકારમાં રજુઆત કરી છે.
રાજ્યના 2016 બાદ નિવૃત થયેલા તથા મૃત્યુ પામેલા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો,આચાર્ય તથા વહીવટી સ્ટાફને સાતમા પગાર પંચના હપ્તા મળ્યા નથી જેને લઈને મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. કોરોના બાદ અનેક કર્મચારીઓની હાલત કફોડી બની છે. જેથી તાત્કાલિક બાકી હપતો આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. શિક્ષક સંઘ મહામંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી હતા કે, 2016 બાદ નિવૃત તથા મૃત્યુ પામેલા કર્મચારીઓને હજુ સુધી સાતમા પગાર પંચના લાભ મળ્યા નથી.બાકીના હપતા મેળવવા અનેક વખત રજુઆત કરી પરંતુ હજુ સુધી મળ્યા નથી. જેના કારણે કર્મચારીઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. 400થી વધુ કર્મચારીઓ કોરોના દરમિયાન કે ત્યારબાદ 2016 પછી મૃત્યુ પામ્યા છે તેમના વારસોની સ્થિતિ કફોડી છે, બેન્ક ખાતા બંધ થઈ ગયા છે.તેમના વારસદારોને ખબર પણ નથી કે કેટલા હપતા લેવાના બાકી છે. ઘણા મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારો બીજો હપ્તો પણ માહિતીના અભાવે લઈ શક્યા નથી.જેના જેટલા હપ્તા બાકી છે તે પૈકી પાંચમા હપ્તા સુધીની રકમ એકસાથે આપી દેવી જોઈએ. ગ્રાન્ટેડ સ્કૂલોન કર્મચારીઓને જ કાયમથી નાણાં ચૂકવવા ઠાગા થૈયા કરવામાં આવે છે.અનેક વખત રજુઆત કરી છે છતાં કોઈ નિર્ણય કરવામાં આવતો નથી જેથી આ વખતની રજુઆતને ધ્યાને નિર્ણય લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.