રંગીલા રાજકોટના લોકમેળાનો CMના હસ્તે કરાયો પ્રારંભ, ચકડોળ, વિવિધ રાઈડ્સએ આકર્ષણ જમાવ્યું
રાજકોટઃ રંગીલા ગણતા રાજકોટના પાંચ દિવસના લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. લોકમેળાનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતુ. આ લોકમેળાનું નામ ‘આઝાદીના અમૃત લોકમેળો’ આપવામાં આવ્યું છે.આ પ્રસંગે રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા રૂપિયા 51 લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત ફંડ માટે જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના હસ્તે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. રંગીલા રાજકોટના લોકમેળાને માણવા માટે સૌરાષ્ટ્રભરમાંથી લાખોની જનમેદની ઉમટી પડે છે. કોરોના કાળના બે વર્ષ બાદ આ લોકમેળો યોજાઈ રહ્યો હોય સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક દર્શાવતા આ લોકમેળાને માણવા માટે લોકોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં બુધવારે લોક મેળાના ઉદ્ઘાટન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મેળા સાથેની જૂની યાદો વાગોળતા જણાવ્યું હતું કે, મારી બહેન મને હાથ પકડીને મેળામાં લઇ જતી હતી અને અમે મેળાનો આંનદ લેતા હતા. જયારે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, અમે 1 આનો લઈને મેળામાં આવતા શીંગ દાળિયા આરોગતાઅને મેળાની મજા માણતા હતા. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જણાવ્યું હતું કે, નાનપણમાં પૈસા નહોતા પણ મજા હતી અને વગર પૈસે મેળાની મજા માણતા હતા.આ અંગે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, અમે 2 રૂપિયા લઈ ને આવતા અને મેળામાં આનંદ કરતા એ બે રૂપિયાનો આનંદ આજે પણ એટલો જ યાદગાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવીને જેને સૌરાષ્ટ્રની લોકબોલીમા ફજેત ફાળકો કહેવાય છે, તેવા ચકડોળની સવારીની મોજ કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને વરિષ્ઠ અગ્રણી વજુભાઈ વાળા સાથે માણી હતી.મેળાના પ્રારંભ અવસરે સહભાગી થયેલા મંત્રીઓ જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે એ પણ ચકડોળની સવારીનો આનંદ લીધો હતો
લોકમેળાની તૈયારીઓ છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી. લોકમેળાનો બુધવારથી રંગારંગ પ્રારંભ થતાની સાથે જ લોકો ફેસ્ટીવલ મૂડમાં આવી ગયા છે. લોકમેળામાં લોકોની સલામતી સુરક્ષા માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે. મેળા માટે વહીવટી તંત્ર દ્વારા રૂપિયા ચાર કરોડનો વીમો લેવામાં આવ્યો છે.આ ઉપરાંત ચાર જેટલા કંટ્રોલ રુમ, 10 વોચ ટાવર કાર્યરત કરાયા છે.લોકમેળામાં પાંચ જેટલા મોતના કૂવા, 33 મોટી ફનરાઇડ્સ, 4 મધ્યમ કક્ષાની રાઈડ્સ, 54 ચિલ્ડ્રન રાઈડ્સ, બે ફૂડ કોર્ટ, 14 ખાણીપીણીના સ્ટોલ, 16 આઈસ્ક્રીમના સ્ટોલ, 210 રમકડાના સ્ટોલ, 30 જેટલી સરકારી સંસ્થાઓના સ્ટોલ, અને 2 કોરોના ટેસ્ટીંગ બૂથ ઊભા કરવામાં આવ્યા છે.