કચ્છમાં મેઘમહેરઃ મધ્યમ કક્ષાના 16 જળાશયો અત્યાર સુધીમાં છલકાયાં
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં બીજા રાઉન્ડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 80 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જેથી જળાશયોમાં નવા પાણીની જંગી આવક થઈ છે. દરમિયાન કચ્છના 16 જેટલા મધ્યમ કક્ષાના જળાશયો છલકાતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. તેમજ આગામી દિવસોમાં પાણીની સમસ્યાથી છુટકારો મળવાની સ્થાનિકોએ આશા વ્યક્ત કરી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં ચાલુ વર્ષે મેધરાજાએ હેત વરસાવ્યું છે. જેથી નદીઓમાં ધોડાપૂર આવ્યાં છે. કચ્છમાં સિઝનનો 100 ટકા કરતા વધારે વરસાદ વરસ્યો છે. જેથી કચ્છના મધ્યમ કક્ષાના 16 ડેમ છલકાયાં છે. જ્યારે રૂદ્રમાતામાં માત્ર 18, કાસવતીમાં 1 ટકા પાણી છે. ટપ્પરમાં 59 ટકા અને રાપરના સુઈમાં 66 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. નાની સિંચાઈના ડેમોમાં 78.29 ટકા જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં ચાલુ વર્ષે સિઝનમાં સારો વરસાદ થયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશી ફેલાઈ છે. તેમજ ખરીફ પાકનું સારુ એવું વાવેતર થયું છે. જેથી ચાલુ વર્ષે કપાસ અને મગફળીનું જંગી ઉત્પાદન થવાની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.