જેતપુરના લોકમેળામાં લોકો મોજ માણી રહ્યા હતા, ત્યારે દોડી આવેલા આખલાંએ તરખાટ મચાવ્યો
રાજકોટઃ જન્માષ્ટમીના તહેવારોમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેળાઓ ભરાયા હતા. જિલ્લાના જેતપુરમાં પણ લોકમેળો યોજાયો હતો દરમિયાન મેળામાં આખલો ઘૂસી જતા નાસભાગ મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો. આથી બેકાબૂ બનેલા આખલાએ લોકોને શીંગડે ચડાવી ઉલાળ્યા હતા. લોકોની નાસભાગમાં બાળકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે એક બાળક તો તેના માતા-પિતાથી વિખૂટો પડી ગયો હતો. આખલાના આતંકને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
ગુજરાતના દરેક નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેતપુરના લોક મેળામાં આખલાએ તરખાટ મચાવ્યો હતો. મેળાનું મેદાન લોકોની સુરક્ષાને લઇને અસુરક્ષિત સાબિત થયું હતું. લોકમેળાના આયોજક જેતપુર નગરપાલિકાએ પણ આ અંગે પોતાનું ભેદી મૌન ધારણ કરી લીધું હતું. મેળામાં આખલાના આતંકના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો.. વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ મેળના ગેટ પાસેથી એક આખલો ઘૂસી આવે છે. બાદમાં લોકો બૂમાબૂમ કરી મૂકે છે અને કેટલાક યુવાનો તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ આખલો મેળાના એન્ટ્રી ગેટ પરથી પાછો ફરી પાછો મેળામાં ઘૂસે છે. આથી આખલાને શાંત કરવા માટે કેટલાક લોક તેના માથા પર પાણી પણ ફેંકે છે. પરંતુ આખલો શાંત થવાનું નામ લેતો નથી અને મેળામાં ધુસી જતાં લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.ભૂરાયા બનેલા આખલોએ મેળામાં રમકડાના સ્ટોલને પણ ઉછાળ્યો હતો. પોલીસ પણ બેરિકેડ દ્વારા આખલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ભૂરાયા થયેલા આખલાએ એક યુવાનને તો શીંગડે ઉછાળ્યો હતો. જોકે સદનસીબે આ યુવાન બચી ગયો હતો. અને તેને કોઈ ઇજા પહોંચી નહોતી. બેરિકેડને પણ શીંગડા મારી આખલો મેળામાં ધમાચકડી મચાવી હતી. આથી બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.