પાકિસ્તાનઃ આતંકવાદ મુદ્દે નોંધાયેલા કેસમાં ધરપકડથી બચવા ઈમરાનખાન ભૂર્ગભમાં ઉતર્યાં
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં મોટા રાજકીય ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર, આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ધરપકડથી બચવા ફરાર થઈ ગયા છે તેમની વકીલોની ટીમ આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કરવાની હતી. પાકિસ્તાનમાં ઈમરાન વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે. તેમની સામે આતંકવાદ વિરોધી અધિનિયમ એટલે કે એટીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ધરપકડની શક્યતાઓ વચ્ચે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાન તેમના ઘરે નથી. બીજી તરફ તેમની પાર્ટીના સભ્યોએ કાર્યકરોને રસ્તા પરના વિરોધ માટે તૈયાર રહેવા કહ્યું છે. ઇસ્લામાબાદ સદર મેજિસ્ટ્રેટ અલી જાવેદ દ્વારા તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપ છે કે તેણે જાહેર સભા દરમિયાન એડિશનલ સેશન્સ જજને ધમકી આપી હતી.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે. તેમના નજીકના સહયોગી શેહબાઝ ગિલની ધરપકડના કારણે ઈસ્લામાબાદ પોલીસ વડા અને મહિલા જજને ધમકી આપી હતી. FIRમાં કહેવામાં આવ્યું છે કે, ખાનના ભાષણને કારણે પોલીસ, ન્યાયાધીશો અને દેશમાં ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ છે. આ સિવાય પાકિસ્તાનની ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ પણ ખાનના ભાષણના લાઈવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.