ગાંધીનગરઃ ગુજરાત સરકારે ગત વિધાનસભામાં ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાની સત્તાવાર જાહેરાત કરી હોવા છતાં હજુ પણ 115 જેટલા ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાનો નિર્ણય સરકાર કરી શકી નથી એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર તેમજ હાલની ભુપેન્દ્ર પટેલની સરકારમાં પણ દર અઠવાડિયે આ બાબતની રજૂઆતો કરી હોવા છતાં રાજ્યના શિક્ષણ મંત્રી પણ અધ્યાપકોને ન્યાય અપાવી શક્યા નથી પરિણામે વંચિત રહેલા ખંડ સમયના અધ્યાપકોએ હવે સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે.
અખિલ ગુજરાત ખંડ સમયના અધ્યાપક મંડળના પ્રમુખ દેવદત્તસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતની અલગ અલગ કોલેજોમાં ફરજ બજાવતા ખંડ સમયના 115 અધ્યાપકોને કાયમી કરવામાં આવ્યા નથી જેને લઈને અધ્યાપક મંડળ હવે આક્રમક બનશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરવાનો મુદ્દો લાંબા સમયથી પડતર હતો. પરિણામે સરકારે ગુજરાત વિધાનસભામાં ખંડ સમયના અધ્યાપકોને કાયમ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેરાત બાદ હજુ પણ 115 જેટલા ખંડ સમયના અધ્યાપકો કાયમી થઈ શક્યા નથી જેના કારણે વંચિત રહેલા અધ્યાપકોમાં રોષ ભભુકી રહ્યો છે અને હવે આ અધ્યાપકો આક્રમક આંદોલનની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે
ગુજરાત ખંડ સમયના અધ્યાપક મંડળના પ્રમુખ દેવદત્ત સિંહ રાણાએ વધુ વિગતો આપતા કહ્યું કે આ મુદ્દે અમે ઘણા લાંબા સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે કોરોના કાળ પછી પણ અધ્યાપક મંડળ દર સોમવારે અને મંગળવારે ગુજરાત સરકારને વારંવાર રજૂઆતો કરતું આવ્યું છે એટલું જ નહીં હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સાથે પણ આ મુદ્દે બેઠક કરી હતી. જેમાં તેમણે વંચિત રહેલા ખંડ સમયના પ્રધ્યાપકોને પૂર્ણ સમયની નિયુક્તિની કામગીરી ખૂબ જ ઝડપથી કરશે તેવું વચન આપ્યું હતું તેમ છતાંય રાજ્ય સરકાર આ મુદ્દે હજુ પણ ગંભીર બની નથી. એટલું જ નહીં સરકાર નિર્ણય નહીં કરતી હોવાના કારણે વંચિત રહેતા ખંડ સમયના કેટલાક અધ્યાપકો નિવૃત્તિના આરે આવીને ઊભા છે જ્યારે કેટલાક અધ્યાપકો તો નિવૃત પણ થઈ ચૂક્યા હોવાની રાવ ઉઠી છે જોકે હવે ગુજરાત સરકાર આ મામલે મહત્વનો નિર્ણય જાહેર નહીં કરે તો ન છૂટકે સરકાર સામે ખંડ સમયના અધ્યાપકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાશે.