એશિયા કપઃ પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે વિરાટ કોહલી બનાવશે નવો રોકોર્ડ
નવી દિલ્હીઃ એશિયા કપમાં 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ ચર્ચાનો વિષય છે. જો કે વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સ્થાન હાંસલ કરવા જઈ રહ્યો છે. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 100મી મેચ હશે.
વિરાટ કોહલી પણ એવું કારનામું કરશે જે અત્યાર સુધી કોઈ અન્ય ભારતીય ક્રિકેટર નથી કરી શક્યો. આ મેચ સાથે વિરાટ કોહલી દરેક ફોર્મેટમાં 100થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 99 ટી20 મેચ સિવાય 102 ટેસ્ટ અને 262 વનડે રમી છે. વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 23 હજારથી વધુ રન બનાવ્યા છે. એટલું જ નહીં વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે વિરાટ કોહલી માત્ર સચિન તેંડુલકર અને રિકી પોન્ટિંગથી પાછળ છે.
(Photo-File)