ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં 6 જિલ્લાના નાગરિકોના 7 પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવામાં આવ્યું હતું. પ્રજાજનોના પ્રશ્નો-રજૂઆતોને સાંભળીને ટેકનોલોજીના માધ્યમથી તેનું નિરાકરણ લાવવામાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાયેલા વિવિધ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાને ઉકેલવામાં અને તેનું સુખદ નિરાકરણ ટૂંકામાં ટૂંકા સમયમાં આવે તેમજ આવી ફરિયાદોના કિસ્સામાં નિર્ણાયકતા સાથે ઝડપી કામગીરી દ્વારા સ્થાનિક કક્ષાએ જ ઉકેલ આવે તે આ કાર્યક્રમની સાર્થકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ દરમિયાન રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણ માટે આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી ‘સ્વાગત’ની શરૂઆત કરાવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. તા. 25મીને ગુરુવારે યોજાયેલા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં પોરબંદર, રાજકોટ, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા અને વડોદરા વગેરે જિલ્લાઓના નાગરિકોની ફરિયાદોનું નિવારણ લાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ-2022ના જિલ્લા-તાલુકા-ગ્રામ્ય અને રાજ્ય સ્વાગત મળીને કુલ 2,835 રજૂઆતોમાંથી 2,073નો સુખદ નિવેડો લાવવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમ પછી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને તંત્રવાહકો સાથે સંવાદ કરી જે-તે જિલ્લાઓમાં લમ્પી વાયરસની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને જરૂરી સૂચનો પણ કર્યાં હતાં. આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીઅને સંબંધિત વિભાગોના અધિક મુખ્ય સચિવો, અગ્રસચિવો અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા.