અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનામાં વિવિધ તહેવારોમાં પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 600 ટકાનો વધારો થયો છે. વિવિધ ધાર્મિક સ્થળો તથા પ્રવાસનસ્થળોનો ચાલુ મહિને 20 લાખથી વધારે લોકોએ રજાનો આનંદ માણ્યો હતો. સૌરાષ્ટમાં સાતમ-આઠમના લોકમેળામાં પણ લાકોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2021માં રાજ્યના ધાર્મિક અને પર્યટન સ્થળોની 3.46 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ચાલુ વર્ષે આ આંકડો વધીને 20 લાખની પાર પહોંચ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, અંબાજી, પાવાગઢ, શામળાજી અને ડાકોર જેવા ધાર્મિક સ્થળોએ 16.17 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગયા વર્ષે આ સમયગાળામાં 2.72 લાખ યાત્રાળુઓ આવ્યા હતા.
ઓગષ્ટના પહેલા ત્રણ સપ્તાહમાં દ્વારકામાં 7.24 લાખ, અંબાજીમાં 4.23 લાખ અને પાવાગઢમાં 4 લાખ પ્રવાસીઓ ગયા હતા. જ્યારે ડાકોર 38 હજાર અને શામળાજી 31 હજાર પ્રવાસીઓ સાથે ચોથા અને પાંચમાં નંબરે રહ્યા હતા.
સ્પોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દક્ષિણ ગુજરાતનું સાપુતારાની 73 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ઓગષ્ટમાં ગુજરાતના7૭ પર્યટન સ્થળોએ અન્ય રાજ્યો સહિતના 3.66 લાખ પ્રવાસીઓ આવ્યા હતા.
ગુજરાત ટુરીઝમના એક અધિકારીએ કહ્યું હતું કે, સુરેન્દ્રનગરના વઢવાણ મેળા અને રાજકોટના લોકમેળામાં પણ 20થી 25 લાખ લોકો આવ્યા હતા. ગયા વર્ષે કોરોનાના કારણે મેળાઓ કેન્સલ થયા હતા પણ આ વર્ષે ઘણાં લોકોએ ભાગ લીધો હતો. જો મેળામાં આવેલ લોકોને પણ ગણવામાં આવે તો આ ઉછાળો 1200 ટકાથી પણ વધી જાય.