અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ, દર્શન સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે
અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમ દરમિયાન ભાવિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખૂલ્લુ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રદ્ધા આસ્થા અને ભક્તિના મહાપૂર જ્યાં ઉમટે છે એવા શક્તિપીઠ અંબાજીમાં યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે દર્શન, વિસામો, ભોજન,પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સાથે મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ કે અવ્યવસ્થા ઉભી ન થાય એ માટે વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. તમામ દર્શનાર્થીઓ માં અંબાના દર્શન કરી શકે એવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. 5 સપ્ટે.થી 10 સપ્ટે સુધીના સમયગાળામાં યોજાનાર મેળામાં 29 સમિતિઓ બનાવીને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજી માતાજી ટ્રસ્ટ તરફથી ભોજન વ્યવસ્થા 3 સ્થળે કરવામાં આવી જેમાં અંબિકા ભોજનાલય, ગબ્બર તળેટી અને દિવાળીબા ગુરૂભવનનો સમાવેશ થાય છે. પ્રસાદના 7 વધારાના કેન્દ્રો ચાચર ચોક ખાતે તેમજ ગેટ નં.7ની બહાર અને શકિતદ્વારની સામે પણ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે. યાત્રિકોના સ્વાસ્થ્ય અંગે મેળામાં 36 હંગામી આરોગ્ય કેન્દ્ર, 15- 108 સહિતની એમ્બ્યુલન્સ સેવા, 222- આરોગ્યકર્મી સેવા બજાવશે. યાત્રિકો માટે વિશ્રામ માટેની હંગામી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જે અંતર્ગત કાયમી યાત્રિક શેડમાં 15 જગ્યાએ વિસામા સ્થળ, મેળા દરમિયાન હંગામી વિશ્રામ સ્થળો, અંબાજી મંદિર સંકુલ, આવાસગૃહો, ગબ્બર એમ તમામ જગ્યાએ અદ્યતન રોશની, 13 જગ્યાએ ઈનવરટર, 29 જગ્યાએ સોલાર સ્ટ્રીટ, 14 જગ્યાએ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અંબાજીમાં મેળા દરમિયાન યાત્રિકો દર્શનાર્થીઓ સમગ્ર મેળાને નિહાળી શકે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે 14 જગ્યાએ વોચ ટાવર, અંબાજી ગામમાં 12 જગ્યાએ એલઈડી સ્ક્રીન ધ્વારા જીવંત પ્રસારણ કરી માઇભક્તો દર્શનનો લાભ લઇ શકે એવી સગવડ ઉભી કરવામાં આવી છે. તો અંબાજી ગામમાં કાયમી ટોઈલેટ બ્લોક, બાથરૂમ-70, જાજરૂ-139, યુરીનલ-94 અને લોકર્સ – 208 ની સુવિધા ઉભી કરવામાં આવશે. અંબાજીમાં 144 હંગામી સીસીટીવી કેમેરા, મંદિર સંકુલ-112 કાયમી અને 46 વિશ્વાસ પ્રોજેકટના એમ કુલ – 302 સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા મોનીટરીંગની સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. અંબાજીથી દાંતા, અંબાજીથી હડાદ માર્ગ ઉપર 20 જેટલા હંગામી પાર્કિંગ પ્લોટોમાં લાઈટ, સી.સી.ટી.વી., વોચ ટાવર, ટોયલેટ, પબ્લીક એડ્રસ સિસ્ટમ, સહિતની સુવિધાઓ યાત્રિકો માટે કરવામાં આવી છે. મેળા દરમિયાન હંગામી પાર્કિંગ પ્લોટોમાં 172 યુનિટ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જીએસઆરટીસી દ્વારા મેળા દરમ્યાન 10 હંગામી બુથો ઉભા કરી 1100 થી વધુ બસોના દ્વારા યાત્રિકોનું સંચાલન હાથ ધરવામાં આવશે. તેમજ મેળામાં પોલીસ બંદોબસ્તમાં કુલ-6800 થી વધારે સુરક્ષાકર્મીઓ મેળા દરમિયાન ફરજ બજાવશે. (FILE PHOTO)