ગાંધીનગરઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. આ ઝૂંબેશને કારણે શહેરી વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આથી માલધારી સમાજના આગેવાનોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. જેમાં સીએમ નિવાસસ્થાને માલધારી સમાજના ટોચના આગેવાનો પહોંચ્યા હતા. અને તેમણે મુખ્યપ્રધાન સાથે મુલાકાત કરી હતી. જેમાં માલધારીઓએ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માગ કરી હતી. પશુધનને કાયમી ધોરણે વસવાટ કરવા માટે વસાહત કરી આપવામાં આવે. સાથે જ રસ્તા પર રખડતા ઢોર બાબતે નિર્દોષ લોકોને દંડવામાં ના આવે. આ ઉપરાંત ઢોર નિયંત્રણ કાયદો ઝડપથી રદ્દ કરવામાં આવે તેવી માગ પણ માલધારી સમાજે કરી હતી.
રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતા ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કર્યા બાદ સરકારના આદેશથી શહેરોમાં રખડતા ઝોર પકડવાની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. અમદાવાદમાં તો પશુઓ માટે ઘાસચારો લાવવા પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અને અધિકારીઓને ખાસ ઢોર પકડવાની જવાબદારી સોંપવામાં આવી છે. આથી રખડતા ઢોર મુદ્દે ગુજરાત માલધારી મહાપંચાયતે CM ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પણ રજુઆત કરી હતી . જેમાં માલધારી પંચાયતે રાજ્યમાં રખડતા ઢોરની વ્યાખ્યા નક્કી કરવા માગ કરી છે. સાથે જ સરકાર હાઇકોર્ટ અને માલધારીને ગેરમાર્ગે ન દોરે તેવી રજૂઆત પણ પત્ર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારની બેધારી નીતિથી પ્રજા ઢોર અકસ્માતનો ભોગ બનતી હોવાના આક્ષેપ માલધારી મહાપંચાયતે કર્યા છે.સાથે જ રાજ્ય સરકારે હાઇકોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરી ખોટા આદેશ જાહેર કર્યા હોવાનું જણાવ્યું હતુ. ઉપરાત વર્ષ 2011 ના કોર્ટ આદેશનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે તે સમયે કોર્ટે વૈકલ્પિક વ્યવસ્થા કરી રસ્તા પરથી ઢોર હટાવવા કહ્યું હતું છતાં સરકારે આજદિન સુધી તેનું પાલન ન કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે રાજ્ય સરકારે છેલ્લા 27 વર્ષમાં એક પણ માલધારી વસાહત બનાવી નથી.