જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતા માટે અનેરુ યોગદાન આપ્યું છે : રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ
અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોએ આપેલા યોગદાન અને બલિદાનોનું પ્રતીત કરાવવા પહેલીવાર કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં 100થી વધુ વિશ્વ વિદ્યાલયમાં સમાજના યુવા ધનને આઝાદીના લડવૈયા સાથે જનજાતિ સમાજના યોગદાન અંગે માહિતગાર કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણે જણાવ્યું હતું કે, આઝાદીની સંઘર્ષની કડીઓને જોડીને જોઈએ તો ખ્યાલ આવશે કે જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતા માટે અનેરુ યોગદાન આપ્યું છે. જનજાતિ સમાજનું સારી રીતે અધ્યયન થાય તે માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રિસર્ચ કરવું જોઈએ. દરેક સમાજે જનજાતિ સમાજ પ્રત્યે જોવાની દષ્ટ્રીકોણ બદલવાની જરૂર છે.
તેમણે ઉમેર્યું કે,અનુ.જનજાતિ આયોગ પ્રારંભિક તબક્કે ત્રણ વિષય પર કાર્ય કરી રહી છે. પહેલું અસ્મિતા એટલે જનજાતિ સમૂહદાયના મહાપુરુષો, સંસ્કૃતિ માટે લખવાનું તેમજ સામાજીક વ્યવસ્થા અને ત્યાગ બલિદાનની જાણકારી મેળવવી તેની અસ્મિતાની જાળવણી કરવી. બીજું સંવિધાનમાં જનજાતિને પ્રાધાન્ય આપતા વિવિધ અધિકારોનુ જતન અને સંસ્કૃતિનું અધ્યયન કરવું જ્યારે ત્રીજું વિકાસ માટેની યોજનાઓનો લાભ વધુમાં વધુ જનજાતિ સમાજ લઈ શકે તે માટે આયોગ કામગીરી કરી રહ્યું છે.
સમાજના પ્રવક્તા રાજારામ કટારાએ કહ્યું કે, ભારત દેશની આઝાદીના આંદોલનમાં લડવૈયાની સાથે જનજાતિ સમાજે કર્તવ્ય ભાવના સમજીને સર્વત્ર યોગદાન આપ્યું છે. બિરસા મુંડાથી લઈને અલ્લુરી સીતારામ રાજુ સુધી અનેક નામી અનામી વીરોએ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ પોતાના પ્રાણોની આહુતિ અર્પિત કરી હતી.