સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને ટૂંક સમયમાં હળવદ તાલુકામાં ભેળવી દેવાનો તખતો તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લાને પ્રકરણ મોકલી આપવામાં આવ્યું છે. જે પૂર્ણ થયે સરકાર દ્વારા વિધિવત ગેજેટમાં પ્રસિદ્ધ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામ ભૌગલિક રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાથી નજીક થતા હોય આ ગામોનો મોરબી જિલ્લામાં સમાવેશ કરવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી મોરબી જિલ્લા વહીવટી તંત્રને મોકલી દેવામાં આવી છે. મોરબીના ભાજપના કેટલાક આગેવાનો પણ મુળી તાલુકાના પાંચ ગામોને હળવદ તાલુકામાં ભેળવવા માટે આતૂર બન્યા છે. અને પાંચ ગામોનો હળવદ તાલુકામાં સમાવેશ કરા ગાંધીનગરથી પણ ગ્રીન સિગ્નલ મળી ગયું છે. અને ટુંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે.કે, મુળીના જે પાંચ ગામો છે, તે હળવદ નજીક આવેલા છે. તેથી ગ્રામજનોને તાલુકા મથક નજીક હોય તો ફાયદો થઈ શકે છે. જોકે ગ્રામજનોની હળવદ સાથે ભળવા સહમતી છે કે કેમ તે અંગે જાણવા મળ્યુ નથી.
હળવદ તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ જણાવ્યું હતું કે, મુળી તાલુકાના સરા, આંબરડી, કરશનગઢ, રામપરા અને નાડધ્રી ગામને હળવદ તાલુકામાં સમાવેશ કરવા તાલુકા પંચાયત દ્વારા વિધિવત કાર્યવાહી કરી જિલ્લા પંચાયત અને જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપવામાં આવી છે, જે મંજુર થયેથી સરકારમાં મોકલાશે અને બાદમાં ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.