પાલનપુરઃ જિલ્લાની બનાસનદી હાલ બેકાંઠે વહી રહી છે. અમીરગઢ પાસે વહેતી બનાસ નદીમાં મગર દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાજસ્થાનમાંથી મગરો તણાઇ આવ્યા હોય તેવું લોકોનું માનવું છે. અમીરગઢના જૂની રોહ પાસે વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોને નદીમાં મગર નજરે પડતાં વહીવટી તંત્રને જાણ કરી હતી. દરમિયાન નદીમાં મગરો હોવાથી લોકોને નદીમાં નહાવા માટે ન જવા તંત્ર દ્વારા લોકોને અપિલ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં બનાસ નદીના પાણીમાં સદંતર વધારો થતો જોવા મળતો હતો. જેને લઇ દાતીવાડા ડેમ ભરાતા તેના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા. નદી બે કાંઠે વહી રહી છે. બનાસ નદીમાં અમીરગઢના જૂની રોહ નજીક એક મગર નદીમાં જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટી હતા. સ્થાનિક લોકોએ વનવિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓ નદીકાંઠે પહોંચ્યા હતા. જોકે, તે સમયે મગરો બનાસ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બીજી તરફ બનાસ નદીમાં ન ઉતરવા માટે વહીવટીતંત્રએ સૂચનાઓ આપી છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો બનાસ નદીમાં ન્હાવા પડી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ડીસાની બનાસ નદીમાં છેલ્લા ચારેક દિવસમાં પાંચથી વધુ લોકોના ડુબી જવાથી મોત નિપજ્યા હતા. ત્યારે મોતનો સીલસીલો અટકાવવા માટે ડીસા ગ્રામ્ય મામલતદાર કે.એચ.તરાલે સરપંચો અને તલાટીઓ સાથે તાકીદની બેઠક યોજી નદીમાં જતાં લોકો સામે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડાયા બાદ નદીમાં ન જવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમ છતાં પણ લોકો તંત્રની સૂચનાને અવગણી નદીમાં નાહવા પડતા મોતને ભેટે છે.