અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોર પકડવાની ઝૂબેશ સઘન બનાવવામાં આવી છે. બીજીબાજુ રખડતા ઢોર માટે શહેરમાં વધુ ત્રણ નવા ઢોરવાડા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા લાંભામાં એક અને નરોડામાં બે ઢોરવાડા બનાવવામાં આવશે. રખડતા ઢોર મામલે મ્યુનિ.કોર્પોરેશનની યુદ્ધના ધોરણે કામગીરી બાદ શહેરના ઢોરવાડા હાઉસફુલ થઈ ગયા છે. જેમાં બાકરોલ સ્થિત ઢોરવાડામાં 1050 અને દાણીલીમડામાં આવેલા ઢોરવાડામાં 1800 ઢોરને પાંજરે પુરવામાં આવ્યા છે. આ ઢોર પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ટીમો કામે લાગી છે. જેમાં રોજના 150 ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવે છે. સતત આ પ્રકારે જ કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. કામગીરીમાં અડચણરૂપ બનતા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટેની ટકોર બાદ મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા જાહેર રોડ પર રખડતા ઢોરને પકડવાની ઝૂંબેશ સઘન બનાવવામાં આવી છે. હાલ રોજના સરેરાશ 150 રખડતા ઢોરને પકડીને ડબ્બે પુરવામાં આવી રહ્યા છે. તેથી મ્યુનિ.ના ઢોરવાડા પણ હાઉસફુલ થઈ રહ્યા છે. એટલે વધુ ત્રણ ઢોરવાડા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નરોડામાં જે ઢોરવાડો બનશે, તેમાં બે શેડની વ્યવસ્થા કરવામાં આવશે અને લાંભા ખાતે ઈન્દિરાનગર ત્રણ શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત અગાઉની જે વ્યવસ્થા છે, ત્યાં આ કેટલ્સને અત્યારે ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. જ્યાં વેટરનરી ડૉક્ટર, પશુઓ માટે ઘાસચારાની અને પાણીની પૂરતી વ્યવસ્થા સહિતની તમામ બાબતોને લઈને ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. હાલ તંત્ર દ્વારા ઢોર પકડવાની જે કામગીરી થઈ રહી છે, તેમાં ઢોરોની સંખ્યા વધતા આખરે ઢોરને રાખવા માટે નવા ઢોરવાડા બનાવવાની પણ જરૂરિયાત ઉભી થઈ છે.