અમદાવાદઃ મ્યુનિ,કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો ઘેરબેઠા જ ફરિયાદ કરી શકે તે માટે ટ્રોલ નંબર જાહેર કર્યો છે. તેમજ ઓનલાઈન અને વોટ્સએપ દ્વારા પણ ફરિયાદો સ્વીકારવામાં આવે છે. પણ હકિકત એ છે. કે, 50 ટકાથી વધુ ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ થતો જ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં નાગરિકોને પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરિયાદ નંબર 155303, ઓનલાઈન CCRS તેમજ સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ કરી શકાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. છેલ્લા 14 દિવસમાં શહેરમાં રોડ, પાણી, રખડતા ઢોર સહિત અલગ અલગ કુલ 35931 જેટલી ફરિયાદો છે, જેની સામે માત્ર 18460 જેટલી જ ફરિયાદોનો નિકાલ થયો છે. જેમાં પણ મોટાભાગની ફરિયાદો કામગીરી કર્યા વગર જ બંધ કરી દેવામાં આવી છે. જેમાં સૌથી વધારે ફરિયાદ રોડ, ગટર, પાણી અને રખડતા ઢોરની મળી છે.
મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રોડ- રસ્તા ગટર, પાણી, રખડતા ઢોર, ગાર્ડન વગેરે માટે ફરિયાદ નંબર 155303 , ઓનલાઈન CCRS તેમજ સોશિયલ મીડિયા મારફતે ફરિયાદ કરી શકાય છે. ભાજપના સત્તાધિશો દ્વારા સૌનો સાથ સૌનો વિકાસ સ્વચ્છ શહેર વગેરેની વાતો કરે છે, જે પોકળ સાબિત થઈ છે. 15 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી કુલ 35931 જેટલી ફરિયાદોમાંથી માત્ર 18460 ફરિયાદોનો જ નિકાલ થયો છે. એટલે કે માત્ર 50 ટકા ફરિયાદો જે પૂર્ણ થઈ છે. 50 ટકા ફરિયાદો હજી પણ બાકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડો રૂપિયાનું બજેટ છે, છતાં પણ પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળ ગયું છે. સૌથી વધુ ફરિયાદો રખડતાં ઢોર અને રોડ તેમજ પાણીની જોવા મળી છે. સૌથી વધારે ફરિયાદો પશ્ચિમ ઝોનમાંથી છે. જેમાં રોડ, ગટર લાઈટ, પાણી, ગાર્ડન વગેરેની મળી છે.