જામનગરમાં મોદક આરોગવાની સ્પર્ધામાં 58 વર્ષના વડિલ 100 ગ્રામનો એક એવા 12 લાડુ આરોગી ગયા,
જામનગર: ગુજરાતમાં વર્ષો પહેલા બ્રાહ્મણો દ્વારા લાડું ખાવાની સ્પર્ધાઓ યોજાતી હતી. એ જમાનામાં લોકોના ખોરાક પણ સારા હતા. હવે બદલાતા જમાનામાં લોકોમાં ફાસ્ટફુડના વધી ગયેલા ચલણને લીધે ખોરાક ઘટી રહ્યો છે. જામનગર શહેરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને અતિ પ્રિય એવા મોદક લાડુ આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધાનું બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત 13માં વર્ષે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી કુલ 31 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ભાણવડના ફતેપુરા નવીનચંદ્ર નામના વડીલે 12 લાડુ આરોગી પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરમાં સતત 13 વર્ષથી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ રહી છે. મોદક સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરમાંથી બાળકો મહિલાઓ અને પુરૂષો મળી કુલ 31 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અડધી કલાકની અંદર સ્પર્ધકોએ ચૂરમાના લાડુ કે જે એક લાડુ 100 ગ્રામનો હોય છે અને જેમાં સૂકો મેવો નાખેલ હોય છે તે દાળ સાથે આરોગવાનો હોય છે. કોઇપણ જ્ઞાતિના લોકો સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઈ પુરુષોમાં ભાણવડના રમેશભાઈ જોટંગિયાએ 12 લાડુ ખાઈ બાજી મારી છે. જયારે મહિલાઓમાં જામનગરના પદમીની ગજેરા 9 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો છે. જયારે બાળકોમાં કેવિન વાઢેરે 9 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવ્યો છે. ગત વર્ષે જામકંડોરણાના વડીલે 13 લાડુ ખાઇ સ્પર્ધામાં ઇનામ મેળવ્યું હતું. તો મહિલા સ્પર્ધકો પણ 11 જેટલા લાડુ આરોગવાનો રેકોર્ડ ધરાવે છે.