અમદાવાદમાં ઢોર પકડવાની ઝૂંબેશ સામે કાલે શુક્રવારે માલધારી સમાજ દ્વારા વેદના રેલી યોજાશે
અમદાવાદઃ રાજ્યના નાન-મોટા શહેરોમાં રોડ-રસ્તાઓ પર રખડતા ઢોરને પકડવાની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. રસ્તે રખડતાં ઢોરના કારણે અનેક અકસ્માતો થયા છે અને નાગરિકો અને ઈજા થઈ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રસ્તે રખડતા ઢોર અંગે ટકોર કર્યા હાદ તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવાની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માલધારી સમાજ દ્વારા રખડતાં ઢોરને પકડવાને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. આગામી તા. 2જી સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દ્વારા અમદાવાદમાં માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો જોડાશે.
ગુજરાત માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યુ હતું કે, 2જી સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે માલધારી વેદના રેલી બાપુનગર ભીડભંજન હનુમાન મંદિરથી સરસપુર થઈ કાલુપુરબ્રિજથી સારંગપુરથી રાયપુર થઈ આસ્ટોડિયાથી ખમાસા મ્યુનિસિપલ કોર્પોરેશન મુખ્ય ઓફિસ પાસેથી લાલદરવાજા ભદ્રકાળી મંદિર સમાપ્ત થશે. અનેક વેદનાઓ સાથે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો રેલીમાં જોડાશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર માલધારીની પણ વેદના જરા સાંભળો. નિર્દોષ રાહદારી અકસ્માતથી અમે ખુશ થતાં નથી. અમને પણ ઘણું દુઃખ થાય છે પણ અમારી ગુજરાન ચલાવાની વેદના સાંભળો. સરકાર દ્વારા શહેરમાં ગામડાઓ ભેળવી શહેરીકરણ કરવામાં આવે છે, જે મહેરબાની કરી ના ભેળવશો. જો ભેળવો તો માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપો. એક તરફ શહેરીકરણ કરવામાં આવે છે, જેના કારણે માલધારીઓ પોતાના પશુ સાથે શહેરમાં આવી જાય છે અને બીજી તરફ જે પણ પશુઓ રોડ પર હોય તો તેને પકડવામાં આવે છે. અમે તમામ પ્રકારની વેદનાઓ સરકાર સાંભળે તેના માટે થઈ અને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને હજારો લોકો રેલીમાં જોડાશે. (file photo)