દાઉદ ઈબ્રાહિમ અને ડી-ગેંગના સભ્યો સામે ઈનામની જાહેરાત, NIAએ દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી તેજ બનાવી
મુંબઈઃ ભારતના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં બેઠા બેઠા આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં ખંડણી સહિતના ગુનાઓને અંજામ આપવા માટે ફરીથી ગેંગના સભ્યોને સક્રીય કરી રહ્યો છે. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓ દાઉદ ઈબ્રાહિમ સહિતના ડી-ગેંગના સભ્યો સામે ઈનામની જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમ અને તેની ‘ડી’ કંપની ગેંગની લિંક્સ વિશે માહિતી આપનાર માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. NIAએ અંડરવર્લ્ડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ પર રૂ. 25 લાખનું ઈનામ જાહેર કર્યું છે. દાઉદના એકદાર નજીકના છોટા શકીલ પર રૂ. 20 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે.
ભારતમાં શસ્ત્રો, વિસ્ફોટકો, દવાઓ અને નકલી ભારતીય ચલણની દાણચોરી માટે ડી કંપનીએ કેટલાક લોકોને તૈયાર કર્યાં છે. જે પાકિસ્તાની એજન્સીઓ અને આતંકવાદી સંગઠનો સાથે મળીને આતંકવાદી હુમલા કરવાની યોજના પણ ધરાવે છે.