વડોદરાઃ રાજ્યમાં મોટાભાગના નેશનલ હાઈવેની વરસાદને કારણે હાલત બિસ્માર બની છે. સરકાર દ્વારા જે હાઈવે પરથી ટોલ ઊઘરાવવામાં આવે છે, તે રોડને પણ મરામત કરતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. વડોદરાથી હાલોલ-પાવાગઢ જવા ગુજરાત સરકારે ફોર લેન હાઇવે બનાવ્યો છે. આ હાઇવે પર કાર-જીપ સિવાયનાં વાહનો માટે ટોલ પણ વસૂલવામાં આવે છે. છતાં આ હાઇવેની હાલત એટલી ખરાબ છે કે ખાડા પૂરવા માટે ગેરકાયદે પેવર બ્લોક પાથરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ગત 18 જૂને વડોદરાથી પાવાગઢ હવાઇ માર્ગે ગયા હતા, જેથી અધિકારીઓએ વડોદરા શહેરમાં રસ્તા સારા બનાવી દીધા, પણ વડોદરાથી હાલોલ-પાવાગઢ ટોલ વે પર મોદી કાર દ્વારા જવાના ન હોવાથી ધ્યાન જ અપાયું નહતું. આ હાઈવે પર રોજબરોજ અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે હાઈવે પર પડેલા ખાંડાને પુરી દઈને વહેલી તકે રોડને મરામત કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માગ ઊઠી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના હાઇકમાન્ડ દ્વારા તાજેતરમાં ગુજરાતના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની સાથે સાથે માર્ગ અને મકાનમંત્રી પૂર્ણેશ મોદીનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું, જેની પાછળનું કારણ બંને નેતાના તેમનાં ખાતાંમાં થઈ રહેલી નબળી કામગીરી હોવાની ચર્ચા છે. જો રાજ્યના રસ્તાઓની વાત કરીએ તો ચોમાસામાં વરસાદને કારણે અનેક રોડ તૂટ્યા અને એના રિપેરિંગ સમયસર નથી થયા. આવી જ હાલત રાજ્ય સરકાર હસ્તકના વડોદરાથી હાલોલ હાઇવેની છે. અહીં એટલા બધા ખાડા છે કે રાત્રે ગમે ત્યારે ગમે તે વાહન ખાડામાં ખાબકી શકે છે. આ હાઇવે પર કાર સિવાય મોટાં વાહનો લક્ઝરી બસ, ટ્રક સહિતનાં ભારે વાહનો પાસેથી ટોલટેક્સ વસૂલમાં આવે છે. જોકે આ હાઇવે પર બંને તરફ 150થી વધુ ખાડા પડ્યા છે અને એને યોગ્ય રીતે ભરવાને બદલે પેવર બ્લોક મૂકી દેવાયા છે, જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આ પેવર બ્લોક ગમે ત્યારે ટાયર ફાડી નાખે એવા છે અને આ કારણે અકસ્માત પણ જીવલેણ થઈ શકે છે.