ભરૂચઃ પાનોલી નજીક રેલવેનો કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો
- અમદાવાદ-મુંબઈ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો
- વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન ભરૂચના પાનોલી નજીક રેલવેનો દેબલ તૂટી ગયો હતો, જેથી અમદાવાદ-મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પડી હતી. વડોદરા-સુરત અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ કરવામાં આવી હતી.
ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25 હજાર વોટનો કેબલ તૂટી પડતાં દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો છે. પાવર સપ્લાય બંધ થતાં અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અટકી પડી હતી. અન્ય ટ્રેનોમાં વડોદરાથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ જેટલી 5 ટ્રેનોને પણ અસર થઇ છે. ઘટનાને પગલે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ -સુરત મેમુ ટ્રેન રદ કરી દીધી છે.
આ બનાવની જાણ થતા રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ કેબલ રિપેરીંગની કવાયત શરૂ કરી હતી. બીજી તરફ રેલવે વ્યવહાર ખોરવાતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.