ઉત્તરપ્રદેશઃ ગણેશજીની મુર્તિની સ્થાપના કરનાર મુસ્લિમ મહિલા ભક્ત સામે મુફ્તીએ ફતવો જાહેર કર્યો
લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ પરિવાર વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. અલીગઢમાં રૂબી આસિફ ખાન નામની મુસ્લિમ મહિલાએ ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરી, જેથી તેમને મૌલાનાઓએ નિશાના બનાવ્યાં હતા. મુસ્લિમ મહિલાએ કહ્યું કે, તે હિંદુઓનો દરેક તહેવાર ઉજવે છે અને આગળ પણ મનાવશે. બીજી તરફ ફતવો જાહેર કરનાર મુફ્તી અરશદ ફારૂકીનું કહેવું છે કે ઈસ્લામમાં માત્ર અલ્લાહની જ ઈબાદત કરવાની છે.
આ મામલો અલીગઢના રોરાવર પોલીસ સ્ટેશનનો છે. શાહજમાલની એડીએ કોલોનીમાં રહેતી ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના જયગંજ મંડલ ઉપાધ્યક્ષ રૂબી આસિફ ખાન, તેના પતિ આસિફ ખાન સાથે મળીને બજારમાંથી ભગવાન શ્રી ગણેશની મૂર્તિ ખરીદીને તેમના ઘરમાં સ્થાપિત કરી હતી.
રૂબી આસિફ ખાને કહ્યું, ‘મેં મારા ઘરમાં 7 દિવસથી ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી છે અને હું કોઈ જાતિ કે ધર્મના ભેદભાવમાં માનતી નથી. હું તમામ ધર્મોના તહેવારો ઉજવું છું. આ મારા હૃદયનો વિશ્વાસ છે. મને આ બધું કરવું ગમે છે.’ તેમણે કહ્યું કે, પૂજાને લઈને મારી વિરુદ્ધ ફતવા જારી કરવામાં આવ્યા છે.
રૂબી આસિફ ખાને મુફ્તી અરશદ ફારૂકી સામે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, આ લોકો દેશના ભાગલા પાડવા માંગે છે, આવા મૌલવી ક્યારેય સાચા મુસ્લિમ ન હોઈ શકે, તેઓ ઉગ્રવાદી છે અને જેહાદી છે. આ લોકો પોતે ભેદભાવ કરવા માંગે છે. તેઓ ભારતમાં રહીને ભારત વિશે વાત કરતા નથી, જેહાદી લોકો જ ફતવા બહાર પાડે છે, જો તેઓ સાચા મુસલમાન હોત તો તેઓએ આ રીતે વાત ન કરી હોત.