ગુજરાતમાં બે દાયકામાં ઘાન્ય-બાગાયતી પાકના ઉત્પાદનમાં જંગી વધારોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસને પગલે આજે ગુજરાતમાં દેશમાં વિકાસ મોડલ તરીકે ઓળખાય છે. બે દાયકા પહેલા ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા જેટલો હતો જે આજે ઘટીને લગભગ 2થી 3 ટકા જેટલો થયો છે. આવી જ રીતે નાના અને મધ્યમ કદના એકમોની સંખ્યામાં બે દાયકામાં વધારો થયો છે.આ ઉપરાંત ધાન્ય પાક અને બાગાયતી પાકમાં પણ જંગી વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે અંદાજે 20.26 કરોડના ખર્ચે નિર્માણ થયેલ બે વિકાસ કામોનું લોકાર્પણ તથા આ બંને તાલુકામાં માર્ગ અને મકાન રાજ્ય અને પંચાયત વિભાગ દ્વારા 70.30 કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ રસ્તાઓના 68 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે જનસુવિધા અને જનસુખાકારીના કુલ 94.56 કરોડના 70 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે મિશન મંગલમ, પીએમ જય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તેમજ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં થયેલા વિકાસ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી ગામડાઓ અને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ધૂંરા સંભાળી ત્યારે શું સ્થિતિ હતી અને અત્યારે તેમના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્યના વિકાસની શું સ્થિતિ છે, તેની તુલના કરતા તે બાબત સમજી શકાય છે.
તેમણે કહ્યું હતું કે, બે દાયકા પહેલા ધાન્ય પાકનું 23.48 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. જ્યારે આજે 83.25 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. આવી જ રીતે બે દાયકા પહેલા 62 લાખ મેટ્રીક ટન બાગાયતી પાકનું ઉત્પાદન થયું હતું. જ્યારે હાલ 250 લાખ મેટ્રીક ટન ઉત્પાદન થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આર્થિક રીતે પણ આપણો દેશ સક્ષમ બની રહ્યો છે. આર્થિક મહાસત્તાના આંકમાં દેશનું અર્થતંત્ર પાંચમાં સ્થાને પહોંચ્યું છે. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત સૌના સાથ અને સૌના સહકારથી આગળ વધી રહ્યું છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.