અમદાવાદ ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત થશે : અમિત શાહ
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના EKA એરેના, ટ્રાન્સસ્ટેડિયા ખાતે 36મી નેશનલ ગેમ્સ માટે એન્થમ અને માસ્કોટનું અનાવરણ કર્યું હતું. અનાવરણ સમારોહમાં બોલતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ સિટી તરીકે વિકસિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “દસ વર્ષ પહેલાં, જ્યારે મોદી અહીંના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. તે સમયે વિશ્વના નકશા પર રમતગમતમાં ગુજરાત ક્યાંય ન હોતું. “હવે, અમારી પાસે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, અને ખૂબ જ ટૂંક સમયમાં અમારી પાસે વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટ્સ સિટી પણ હશે.”
આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં છે. દેશનો સૌથી ભવ્ય રમતોત્સવ ગુજરાતના છ શહેરોમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતીઓને મોટાભાગે માત્ર બિઝનેસમેન તરીકે જોવામાં આવતા હતા. પરંતુ મોદીએ 11 વર્ષ પહેલા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને તે ઈવેન્ટ એટલી મોટી બની ગઈ છે કે આ એડિશનમાં 55 લાખ જેટલા યુવાનોએ ભાગ લીધો હતો.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, “અમને આનંદ છે કે 7 વર્ષ પછી રાષ્ટ્રીય રમતો પાછી આવી છે અને આ અત્યાર સુધીની સૌથી મોટી અને ભવ્ય હશે.” “સામાન્ય રીતે આ સ્કેલની ઇવેન્ટનું આયોજન કરવામાં વર્ષો લાગે છે પરંતુ ગુજરાતે ત્રણ મહિના કરતાં પણ ઓછા સમયમાં આ કર્યું. 12,000થી વધુ એથ્લેટ્સ, અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ માત્ર રમતગમતના મહાકુંભને જ નહીં પરંતુ અહીં ગરબાનો પણ આનંદ માણશે.”