પાકિસ્તાન આર્મીએ સીઝ ફાયરિંગનું કર્યું ઉલ્લંઘન, સરહદ ઉપર BSFના જવાનો ઉપર કર્યો ગોળીબાર
નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર નાપાક હરકત કરી છે. પાકિસ્તાને સીઝફાયરિંગનું ઉલ્લંધન કર્યું છે. પાકિસ્તાની સૈનિકોએ બોર્ડર ઉપર તાર લગાવતા બીએસએફના જવાનો ઉપર ગોળીબાર કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ તેમને વળતો જવાબ આપ્યો હોવાનું જાણવા મળે છે.
બીએસએફના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેનાએ અરનિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલીંગ પાર્ટી ઉપર ફાયરિંગ કર્યું હતું. જો કે, ગોળીબારની આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હતું. જે બાદ ભારતીય સેનાએ પણ તેમને વળતો જવાબ આપ્યો હતો. પાકિસ્તાની આર્મી સરહદ ઉપર લગાવવામાં આવતા તારની કામગીરીનો વિરોધ કરી રહી છે જેને પગલે આ ગોળીબાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, 27મી ઓગસ્ટના રોજ બીએસએફના જવાનોએ સરહદ પાર કરી રહેલા પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બીએસએફના જવાનોએ સિયાલકોટના મહંમદ શબદને ઘુસણખોરી કરતા જોયો હતો. જેથી તેણે ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતા તે ઘુસણખોરીનો પ્રયાસ કરતા ભારતીય જવાનોએ ગોળિબાર કર્યો હતો. બાદમાં તેને ઝડપી લીધો હતો.
(Photo-File)