નવી દિલ્હીઃ પીએફઆઈ ટેરર મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે બિહારમાં અનેક સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા. NIAની અલગ-અલગ ટીમે ગુરુવાર સવારથી દરભંગા, અરરિયા, સારણ, કટિહાર, વૈશાલી અને મુઝફ્ફરપુર જિલ્લામાં દરોડા પાડ્યાં હતા. પટનાના ફુલવારી શરીફમાં આતંકવાદી પ્રશિક્ષણ કેમ્પનો પર્દાફાશ થતા આરોપીઓના સ્થાનોની શોધ કરવામાં આવી રહી છે. NIA અધિકારીઓ પરવેઝ આલમ, સનાઉલ્લાહ, મુસ્તકીમ સહિત અન્ય શંકાસ્પદ આતંકવાદીઓના સંબંધીઓની પૂછપરછ કરી રહ્યા છે.
NIAની ટીમ ગુરુવારે સવારે દરભંગાના સિંહવાડા પોલીસ સ્ટેશનના શંકરપુર ગામમાં પહોંચી હતી. પટનાના ફુલવારીશરીફ પોલીસ સ્ટેશનમાં આ ગામના સનાઉલ્લાહ અને મુસ્તકીમ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મુસ્તકીમ ઘરે મળ્યો ન હતો પરંતુ તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે. દરભંગાના ઉર્દૂ વિસ્તારમાં નૂરુદ્દીન જંગીના ઘરે પણ પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણેયના ઘરોને ઘેરી લેવામાં આવ્યા છે. અંદર કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી.
NIAની ટીમ સારણ જિલ્લાના રૂદલપુર ગામમાં પહોંચી છે. અહીં પીએફઆઈના સભ્ય અને સરકારી શિક્ષક પરવેઝ આલમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. NIAની સાથે પોલીસની ટીમ પણ હાજર હતી. ટેરર મોડ્યુલ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં પરવેઝ આલમ 26મો આરોપી છે. NIA અધિકારીઓએ પરવેઝ આલમનો મોબાઈલ અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આ સિવાય વૈશાલી જિલ્લાના ચેહરાકાલનના તાલ સેહાન ગામમાં મોહમ્મદ રિયાઝ અહેમદ પર પણ દરોડા પાડવામાં આવ્યો હતો. મુઝફ્ફરપુરના ગૌરીહર ગામમાં પણ દરોડા પડવાના સમાચાર છે. NIAની ટીમ અરરિયા જિલ્લાના જોકીહાટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આર્તિયા ગામમાં એન્જિનિયર એહસાન પરવેઝના ઘરની તપાસ કરી હતી.