યોગી સરકારનો મોટો આદેશ – યુપીની તમામ સરકારી હોસ્પિટલોના નામ પણ ઉર્દૂમાં લખાશે
લખનઉ:યુપીની યોગી સરકારે સરકારી હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં પણ લખવાનો મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સાઈનબોર્ડ અને નેમપ્લેટ પણ ઉર્દૂમાં લખવામાં આવશે.આ અંગે ચર્ચા શરૂ થઈ છે.ઉન્નાવના રહેવાસી મોહમ્મદ હારૂનની ફરિયાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જારી કરાયેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે,હવે રાજ્યમાં હોસ્પિટલોના નામ હિન્દીની સાથે ઉર્દૂમાં પણ લખવામાં આવશે.તમામ જિલ્લા હોસ્પિટલો અને CHC-PHCની ઇમારતોના નામ હિન્દી તેમજ ઉર્દૂમાં હશે.આ અંગે આરોગ્ય નિયામક દ્વારા તમામ સીએમઓને સૂચનાઓ આપવામાં આવી છે.સરકારે જારી કરેલા આદેશમાં ઈમારતોના નામ તેમજ ડોકટરો અને કર્મચારીઓના નામ અને હોદ્દો હિન્દી તેમજ ઉર્દૂમાં લખવાની સૂચના આપવામાં આવી છે.હવે ઉત્તર પ્રદેશમાં તમામ 167 સરકારી જિલ્લા હોસ્પિટલો, 873 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, 2934 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નામ હિન્દી તેમજ ઉર્દૂમાં લખવામાં આવશે.
હકીકતમાં, યુપીએ યુપી અધિકૃત ભાષા (સુધારા) અધિનિયમ, 1989 દ્વારા ઉર્દૂને બીજી ભાષા તરીકે અપનાવી હતી, જેણે યુપી અધિકૃત ભાષા અધિનિયમ, 1951માં કલમ 3 ઉમેર્યો હતો. હારુને તેની ફરિયાદમાં કહ્યું હતું કે રાજ્યની બીજી સત્તાવાર ભાષા હોવા છતાં ઘણા સરકારી વિભાગો સાઇન પર ઉર્દૂને છોડી દે છે. આરોગ્ય વિભાગ સહિત અનેક સરકારી વિભાગો સરકારના આદેશનું પાલન કરી રહ્યા નથી.