ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા AAP અને છોટુ વસાવાની BTP વચ્ચેના જોડાણનું બાળમરણ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી અને આદિવાસી નેતા છોટુ વસાવાની ભારતિય ટ્રાઈબલ પાર્ટી વચ્ચે મહિનાઓ પહેલા કરાયેલા ચૂંટણી જોડાણનું બાળ મરણ થયું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપવા પોતાનું ગ્રાઉન્ડ મજબૂત કરવા આકાશપાતળ એક કરી રહી છે. ‘આપ’ ગુજરાતમાં કોંગ્રેસનો વિકલ્પ બનવાનો પ્રયાસ કરી રહી છે. જોકે, કોંગ્રેસે તેને એક મોટો ઝટકો આપી દીધો છે. કહેવાય છે. કે, કોંગ્રેસના કારણે ‘આપ’ અને છોટુ વસાવાની ભારતીય ટ્રાઈબલ પાર્ટી વચ્ચેના ગઠબંધનનું બાળમરણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા છોટુ વસાવા સાથે કોંગ્રેસના એક મોટા નેતાની મિટિંગ થઈ હતી. તે પછી છોટુ વસાવા દ્વારા ‘આપ’ સાથે કોઈ ગઠબંધન કરાયું ન હોવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી કોઈ ‘ટોપીવાળા’ સાથે ગઠબંધન નહીં કરે. અતે આપ અને બીટીપી વચ્ચેનું જોડાણ તૂટી ગયુ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે રાજકીય પક્ષોમાં નવા સમીકરણો જોવા મળી રહ્યા છે. ચૂંટણી ટાણે અનેક ઉથલ-પાથલ થશે, કોણ કોની સાથે રહેશે તે કહેવું મુશ્કેલ છે. આપ અને છોટુ વસાવાની બીટીપી વચ્ચે મહિનાઓ પહેલા જ ચૂંટણી જોડાણ કરાયું હતું, અને ભરૂચમાં મોટો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં અરવિંદ કેજરિવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા, તત્કાલિન સમયે રાજકિય પંડિયોનું માનવું હતું કે, આપ અને બીટીપીનું જોડાણ કજોડારૂપી બની રહેશે. બીટીપીનું વર્ચસ્વ માત્ર આદિવાસી વિસ્તારની એકાદ-બે બેઠકો પુરતું છે, આપ સાથેના જોડાણથી બીટીપીને કોઈ ફાયદો થઈ શકે તેમ નથી. તેથી આ જોડાણ ચૂંટણી સુધી ટકશે કે કેમ તે અંગે પ્રશ્નો ઊભા થયા હતા. દરમિયાન તાજેતરમાં છોટુ વસાવાએ ‘આપ’ ભાજપની બી ટીમ હોવાનો દાવો કરતા કહ્યું કે, તેમની પાર્ટીનું આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈને કોઈ ગઠબંધન કરાયું નથી. તેમણે કહ્યું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ પરિવર્તન લાવી શકશે નહીં. તેમનો પક્ષ કેસરી કે સફેદ ટોપીવાળા સાથે ગઠબંધન નહીં કરે. ‘દેશમાં સ્થિત ઘણી ભયાનક છે અને અમે કોઈ ટોપીવાળા સાથે ગઠબંધન કરવા માગતા નથી, તે પછી કેસરી ટોપી પહેરનારા હોય કે પછી સફેદ ટોપી પહેરનારા કે જેના પર ઝાડૂનો સિમ્બોલ છે. એ બધા સરખા છે. આ દેશ પાઘડી પહેરનારાઓનો છે અને બધા પક્ષો આદિવાસીઓના પ્રશ્નોને નજરઅંદાજ કરી રહ્યા છે. છોટુ વસાવાનું આ નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પવન ખેરા સાથેની મુલાકાત બાદ આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના નેતાઓની જાણ બહાર પવન ખેરા દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. હવે, શક્યતા છે કે, 2017ની જેમ આ વખતે પણ બીટીપી અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 1લી મેએ આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું. ભરૂચના ચંદેરિયા ખાતે બીટીપીની કોન્ફ્રન્સ યોજાઈ હતી. ‘આદિવાસી સંકલ્પ મહાસંમેલન’ નામે યોજાયેલા એ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ અને છોટુ વસાવાએ ગઠબંધનની જાહેરાત કરી હતી. ગુજરાત ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક અને ભરૂચ જિલ્લાની ઝગડિયા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છોટુ વસાવાની રાજ્યની 15 ટકા આદિવાસી વોટબેંક પર સારીએવી પકડ હોવાનું માનવામાં આવે છે. તેમના પુત્ર મહેશ વસાવા પણ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય છે. ભરૂચ અને નર્મદા વિસ્તારમાં છોટુ વસાવાનું સારું એવું વર્ચસ્વ છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને જ અરવિંદ કેજરીવાલે તેમની સાથે ગઠબંધન કર્યું હતું.જોકે, હવે આ ગઠબંધન તૂટી ગયું છે, ત્યારે અરવિંદ કેજરીવાલે આદિવાસી પટ્ટામાં પોતાની વોટબેંક ઊભી કરવા માટે હવે નવેસરથી યોજના તૈયાર કરવી પડશે.