અમદાવાદઃ ભારત દેશના બંધારણે આ દેશના તમામ નાગરિકોને જાતિ-ભાષા-ધર્મ-પ્રાંતના ભેદભાવ સિવાય, દેશના સાધન, સંસાધન અને સત્તામાં સમાન અધિકાર આપેલા છે અને શાસકોએ જાતિ-ભાષા-ધર્મ-પ્રાંતના ભેદભાવ સિવાય શાસન ચલાવવાનું હોય છે. કમનસીબે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ સરકારનું કુશાસન ચાલે છે અને એમાં જે રીતે સામાજિક સમરસતા ડહોળાઈ અને જે રીતે સમાજમાં ભેદભાવ ઉભો થાય એ રીતે શાસન કરવામાં આવી રહ્યું છે. જેના લીધે સામાજીક ન્યાય અને સામાજિક અધિકાર માટે જે ગરીબ સમાજો છે એને સંગઠિત થઈને રસ્તા ઉપર ઉતરવુ પડે એ દિવસોનું નિર્માણ થયું છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કુલ વસ્તીના બાવન ટકા વસતી બક્ષીપંચ સમાજની છે, સાત ટકા વસતી દલિત સમાજ, ચૌદ ટકા વસતી આદિવાસી સમાજ અને નવ ટકા વસતી લઘુમતિ સમાજની છે. આ ચારે સમાજોનો સરવાળો કરી એ તો 100 માંથી 82 ટકા વસ્તી બક્ષીપંચ, દલિત, આદિવાસી અને લઘુમતી સમાજની થાય છે. આ સમાજના પણ દરેક લોકો સરકારી તીજોરીમાં મોટા પ્રમાણમાં ટેક્ષ જમા કરે છે. રાષ્ટ્ર અને રાજ્યના વિકાસમાં વર્ષોથી યોગદાન આપી રહ્યાં છે અને અન્ય સમાજોની જેમ તેમનો પણ એટલો જ સમાન અધિકાર છે. આ સમાજો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને તેમને વિશેષ મદદની જરૂરીયાત છે. પણ કમનસીબે ભાજપના શાસકો અને એમની વિચારધારા મુજબ આ ચારેય સમાજોને વ્યાપક પ્રમાણમાં અન્યાય કરી રહી છે, એમની ઘોર અનદેખી કરે છે તથા એમની સાથે ભેદભાવ પૂર્વકનું વર્તન થઈ રહ્યું છે. આ સમાજોને રાજકીય રીતે તો યોગ્ય પ્રતિનિધિત્વ નથી મળતુ પણ બજેટની ફાળવણીમાં પણ અન્યાય થઈ રહેલ છે અને આ સમાજો પાછળ રહી જાય તથા સમાજના બાળકો, યુવાનો ખાલી સેવા અને મજુરીના કામમાં જોતરાઈ રહે એવી આ માનસિકતા આ સરકાર ધરાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા જે બજેટ ફળવાય છે તેની વાત કરીએ તો રાજ્યની બાવન ટકા વસ્તી ધરાવતા બક્ષીપંચ સમાજના આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે જે અલગથી વિભાગ બનાવવામાં આવેલ છે. દર વર્ષે રાજ્ય સરકારનું જે બજેટ બને છે તેની સામે બાવન ટકા વસ્તી ધરાવતા ઓ.બી.સી. સમાજને બજેટમાંથી એક ટકો પણ રકમ સમાજના બાળકોના શિક્ષણ માટે, યુવાનોના રોજગાર માટે અને આર્થિક સામાજીક ઉત્થાન માટે ફાળવવામાં નથી આવતી. થોડા વર્ષો પહેલા જે ગુજરાતમાં આંદોલનો થયા તથા કોંગ્રેસ પક્ષે પણ આ આંદોલનને સમર્થન કર્યું હતું. (file photo)