અમદાવાદઃ ગુજરાતના અનેક શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ બે વર્ષ કોરોનાને કારણે નવરાત્રિ નહીં ઉજવી શકેલા ગરબા રસીયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે અને નવરાત્રિને લઈને અત્યારથી જ આગોતરુ આયોજન કરી રહ્યાં છે. બીજી તરફ આ વર્ષ નવરાત્રિ મહોત્સવ ઉપર સંકટના વાદળ ઘેરાયાં છે અને નવરાત્રિ દરમિયાન વરસાદ પડવાની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે ચોમાસુ લંબાવવાની શકયતા હવામાન જાણકારોએ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચોમાસું હજી પૂરું થયું નથી અને ચોમાસું પૂર્ણ થવાની તારીખો લંબાઈને હવે 11-13 ઓક્ટોબર થઈ શકે છે. આ સ્થિતિમાં વરસાદ આ વખતે નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આ વર્ષે અષાઢ મહિનો અધિક હતો અને એને કારણે નવરાત્રિ વહેલી આવી ગયાનું મનાય છે. સામાન્ય રીતે નવરાત્રિ ઓક્ટોબર મહિનામાં હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બરના અંત ભાગમાં જ નવરાત્રિ બેસી જાય છે.
બીજી તરફ, આ વર્ષે ચોમાસું 15 દિવસ મોડું હતું અને ચોમાસાનો પ્રારંભ જ 1 જુલાઈ પછી થયો હતો. આ કારણથી પાછોતરો વરસાદ પણ 15 દિવસ લંબાઈ શકે છે. નવરાત્રિમાં આ વર્ષે પણ વરસાદની શકયતા વ્યક્ત થઈ રહી છે.
હવામાન વિભાગના ગુજરાત ખાતેના ઈન્ચાર્જ ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, નવરાત્રિમાં વરસાદ પડશે કે કેમ તે આગામી દિવસોમાં ખબર પડશે. અત્યારે ગુજરાતમાં મોન્સૂન એક્ટિવ છે એ સિસ્ટમ પૂર્ણ થતાં ચાર-પાંચ દિવસ લાગી શકે. ત્યાર બાદ કોઈ નવી સિસ્ટમ ડેવલપ થાય છે કે કેમ અને સપ્ટેમ્બરના અંત તથા ઓક્ટોબરના આરંભમાં વરસાદ પડી શકે કે કેમ એનો ખ્યાલ અઠવાડિયા પછી જ આવી શકે.
(Photo-File)