મુંબઈઃ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કારમાં આગના દ્રશ્યો જોઈ મુખ્યમંત્રીએ મદદ માટે પોતાનો કાફલો અટકાવ્યો
મુંબઈ: મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર એક મોંઘી કારમાં આગ લાગી હતી. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો કાફલો આ સ્થળ પરથી પસાર થઈ રહ્યો હતો, કારમાં આગની ઘટના જોઈને મુખ્યમંત્રીએ તાત્કાલિક કાફલો અટકાવ્યો હતો અને કાર ચાલકની મદદ કરવા માટે સ્ટાફને સૂચના આપી હતી. વિલે પાર્લે વિસ્તારમાં હાઈવે પર બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. આ હાઈવે મુંબઈનો મુખ્ય માર્ગ માર્ગ છે.
મોટરકારમાં આગની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી શિંદેનો કાફલો સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ ઘટના જોઈને તેઓ કાર ચાલકને મદદ કરવા માટે રોકાઈ ગય હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મુખ્યમંત્રી શિંદે કાર ડ્રાઈવર સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. વાતચીત દરમિયાન મુખ્યમંત્રીએ ડ્રાઈવરનું નામ પૂછ્યું, જેણે પોતાનું નામ વિક્રાંત શિંદે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ તેને કહ્યું હતું કે, જીવન ખૂબ જ જરૂરી છે. તેઓએ તેને સળગતી કારની નજીક ન જવા કહ્યું અને ત્યાંથી જતા પહેલા વ્યક્તિને મદદની ખાતરી પણ આપી.