અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન ડિસેમ્બર 2022 સુધીમાં તૈયાર થઈ જશે
નવી દિલ્હીઃ અયોધ્યામાં હાલ રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામજીના ભવ્ય મંદિરના નિર્માણની કામગીરી ચાલી રહી છે અને ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સાથે અન્ય વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. અયોધ્યામાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અયોધ્યામાં રૂ. 200 કરોડના ખર્ચે અત્યાધુનિક રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે અને ડિસેમ્બર 2022 સુધીમાં રેલવે સ્ટેશનની કામગીરી પૂર્ણ થવાની શકયતા છે. સમગ્ર રેલવે સ્ટેશન પૂર્ણત: એરકંડીશન્ડ હશે. તેમાં પાર્કિંગ, કર્મચારીઓ માટેના આવાસ, રેલવે પોલીસ ફોર્સ (RPF) કાર્યાલય, ત્રણ નવા પ્લેટફોર્મ, નવા માર્ગોનું નિર્માણ આવરી લેવામાં આવશે.
આ સ્ટેશન 10 હજાર ચોરસમીટરમાં ફેલાયેલું હશે. અહીં વૃદ્ધો અને મહિલાઓ તથા દિવ્યાંગો માટે પણ વિશેષ સુવિધાઓ હશે. તેમાં લિફટ તેમજ એક્સેલેટર, AC વેઇટિંગ રૂમ્સ, પેયજલ બૂથ, ફૂડ પ્લાઝા રહેશે. દિવ્યાંગો માટે રેમ્પની વ્યવસ્થા રહેશે.
આ નવા સ્ટેશનનું 90 ટકા કામ પુરુ થઈ ગયું છે. સ્ટેશનમાં લગાડવામાં આવેલી ટાઇલ્સ, પથ્થર, કાચ, દરવાજા, લાઇટિંગ સિસ્ટીમ તેની ભવ્યતા દર્શાવતા હશે. રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (રાઇટસ)ના જે.જી.એમ. એ.કે. ચૌધરીએ જણાવ્યા પ્રમાણે ડિસેમ્બર 2022માં નવા રેલવે સ્ટેશનનું કામ લગભગ સંપન્ન થઇ જશે. આ સ્ટેશનના વિસ્તરણ અને સુધારણાનું કાર્ય 2018માં શરૂ થયું હતું. તેના પહેલા ચરણમાં રેલવે બિલ્ડીંગ, ભગવાન શ્રી રામ મંદિરનાં નમુના પ્રમાણે ભવ્ય અને આકર્ષક બનાવાયું હશે.
સ્ટેશનમાં મહિલા, પુરુષ તથા VIP પ્રતિક્ષાલય, ફૂડ પ્લાઝા, કિયોસ્ક, પુસ્તકોની દુકાન, ક્લોક રૂમ્સ, પર્યટક સૂચના તથા યાત્રા ડેસ્ક, વોટર કૂલર્સ, દિવ્યાંગો માટે અલગ શૌચાલય, શિશુ દેખભાળ કક્ષ, બીમાર કક્ષ, લિફટ, 4 એક્સેલેટર્સ, મોટા કોન-કોર્સ, લેડીઝ એન્ડ જેન્ટસ ડોરમેટ્રી સહિતની સુવિધાઓ હશે.