ગાંધીનગરઃ રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તલાટી કમ મંત્રીઓને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.900 ના બદલે રૂ.3000નું ખાસ ભથ્થું અપાશે.તેમ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું વધુમાં હતું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ 2012 પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો નિર્ણય કરાયો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.900 ના બદલે રૂ.3000 નું ખાસ ભથ્થું અપાશે.આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ નિર્ણયનો અમલ તા.13-09-22થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ નિર્ણય લાગુ પડશે.
અત્રે ઉલ્લેખનીય છે, કે, રાજ્યના તલાટી-મંત્રીઓ દ્વારા પોતાના પડકર પ્રશ્નો માટે હડતાળ પણ પાડવામાં આવી હતી. તલાટી-મંત્રો પર કામનું ભારણ વધતું જાય છે. એટલું જ નહીં તલાટીઓની ઘટ હોવાને કારણે ઘણાબધા તલાટીઓને બે ગામનો વહિવટ સંભાળવો પડી રહ્યો છે. તલાટીઓએ ભથ્થા વધારવાની પણ માગણી કરી હતી. તેથી સરકારે તલાટીઓને હાલ જે 900 રૂપિયા ભથ્થુ આપવામાં આવે છે, એમાં વધારો કરીને હવે રૂપિયા 3000 અપાશે.