AMCના કર્મચારીઓને અનિયમિત રહેવું ભારે પડશે, ઓનલાઈન હાજરી અને ફિલ્ડના ફોટા મોકલવા પડશે
અમદાવાદઃ શહેરના મ્યુનિ,કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓની નિયમિતતા સામે અનેક ફરિયાદો ઉઠતી હોય છે. જેમાં જે અધિકારીઓ કે કર્મચારીઓ ફિલ્ડમાં કામ કરતા હોય તે સ્થળ પર હાજર રહેતા ન હોવાની કેટલાક કોર્પોરેટરોએ પણ ફરિયાદો કરી હતી. આથી હવે તમામ અધિકારીઓ, કર્મચારીઓએ ઓનલાઈન મોબાઈલ એપ્લીકેશનથી હાજરી પુરવી પડશે. એટલું જ નહીં પણ ફિલ્ડ પર કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પરની સેલ્ફી લઈને પોતાનો ફોટો રોજેરોજ મોકલવો પડશે. મ્યુનિ,ના સત્તાધિશોએ લીધેલા આ નિર્ણયને કારણે અનિયમિત રહેતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈ અને વર્ગ 3 સુધીના તમામ કર્મચારીઓએ હવે ઓનલાઇન મોબાઇલ એપ્લિકેશનથી પોતાની હાજરી પુરવાની રહેશે. પોતાના નોકરીના સ્થળે સેલ્ફી લઈને હાજરી પુરવાની રહેશે. ફિલ્ડમાં કરેલી કામગીરીનો રિપોર્ટ પણ હવે ઓનલાઈન જ ભરવાનો રહેશે. Smart city 311 એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરીને તમામ વિગતો ભરવાની રહેશે. આ નિયમનો આજે શુક્રવારથી જ અમલ કરવામાં આવશે. વર્ગ 4ના કર્મચારીઓ એટલે કે પટાવાળાથી લઈને સફાઈ કામદારો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ પરિપત્ર કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશનમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ નોકરીના સમયે મોડા આવતા હોવાનો અને વહેલા જતા રહેવા હોવાની ફરિયાદો સામે આવી હતી. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી કે હવેથી ઓનલાઇન હાજરી અધિકારીઓની ભરવામાં આવે, જેના કારણે યોગ્ય સમયે તેઓ કામગીરી કરી શકે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ પરિપત્ર કરી અને વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓએ હવે smart city 311 એપ્લિકેશન પર પંચ ઇન અને પંચ આઉટ સેલ્ફી લઈ અને કરવાની રહેશે. કર્મચારીઓએ કરેલી ક્ષેત્રીય કામગીરી, જીપીએસ લોકેશન અને સ્થળ કામગીરી વગેરેનો રિપોર્ટ પણ એપ્લિકેશનમાં ભરવાનો રહેશે.
મોબાઈલ એપ્લિકેશન મારફતે અધિકારીઓ રજીસ્ટ્રેશન કરી શકે અને યોગ્ય રીતે આ વ્યવસ્થા ગોઠવાય તેના માટે ઈ ગવર્નન્સની ટીમ એક અઠવાડિયા માટે તમામ સાત ઝોનની અંદર એક એક દિવસ માટે હાજર રહેશે. અને દરેક કર્મચારીઓના મોબાઇલમાં એપ્લિકેશન મારફતે આ વ્યવસ્થા ગોઠવાય એ રીતનું આયોજન કરી દેવામાં આવ્યું છે.