અમદાવાદઃ નરેન્દ્ર મોદી સંધમાં પ્રચારક હતા ત્યારે તેમના સંપર્કમાં આવ્યો હતો અને તેમણે મને ભણતરનું મહત્વ સમજાવીને ધો-10 બાદ વધુ અત્યાર માટે પ્રોત્સાહિત કર્યો હતો. તેમની પ્રેરણાથી જ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો અને આ ઉચ્ચ અભિયાસના કારણે મને એએમટીએસમાં નોકરી મળી હતી, તેમ 1980ના દાયકામાં તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંધમાં કાર્યકર તરીકે કામ કરતા હસમુખભાઈ સોરઠિયા જણાવ્યું હતું. તેમણે વધુમાં નરેન્દ્ર મોદી સાથેની જુની યાદો તાજી કરીને કહ્યું હતું કે, તેમની ડિક્સનરીમાં ના નામનો કોઈ શબ્દ છે નહીં. તેમજ તેઓ વર્ષોથી નાનામાં નાના કાર્યકરની કાળજી લેવાનું ચુકતા નથી.
નરેન્દ્ર મોદીને નજીકથી જાણનારાઓમાં હસમુખભાઈ સોરઠીયાનો પણ સમાવેશ થાય છે. તેઓ આરએસએના કાંકરિયા કાર્યાલયમાં 1982થી 1986 સુધી નરેન્દ્ર મોદી સાથે રહ્યાં હતા. હસમુખભાઈએ જુની યાદો તાજી કરીને કહ્યું હતું કે, ધો-10 પછી અભ્યાસ બંધ કર્યો હતો, આ દરમિયાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી. તેમણે મને ભણતરનું મહત્વ સમજાવીને ધો-12ની એક્સર્ટનલ પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યો હતો. તેમની પ્રેરણાથી જ ધો-12 પાસ કર્યા બાદ ગ્રેજ્યુએશન પુર્ણ કર્યું હતું. તેમજ એલએલબીનો પણ અભ્યાસ કર્યો હતો.
હસમુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીને વાંચનનો ભારે શોખ, તેમની પાસે અનેક પુસ્તકો ઉપલબ્ધ હતી. જેથી તેઓ મને તેમની પુસ્તક વાંચતા આપતા હતા. તેઓ સત્યના ઉપાસક હોવાની સાથે તેમનું નૈતૃત્વ વધારે હતું. તેઓ દરેક કાર્યકર અને તેમના પરિવારને નામથી ઓળખતા હતા. તેઓ સીએમ બન્યાં બાદ એકવાર મળવાનું થયું હતું. તેઓ દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવતા હોવાથી તેઓ જ્યાં પણ જાય અને જેને પણ મળે તેની સાથે આત્મિયતા કેળવી લેવા હતા. પરિણામની ચિંતા કર્યાં વિના તેઓ સત્ય માટે કોઈ પણની સાથે મક્કમતાથી લડી લેવામાં માને છે. વર્ષ 1992ની એકતાયાત્રામાં તેમની સાથે અંત સુધી રહ્યો હતો અને જમ્મુ-કાશ્મીરના લાલચોકમાં તિરંગો લહેરાવ્યો ત્યારે હું પણ ત્યાં તેમની સાથે હતો.