સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 50માં યુવક મહોત્સવનો 23મી સપ્ટેમ્બરથી પ્રારંભ, 36 સ્પર્ધાઓ યોજાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16થી યોજાનારો યુવક મહોત્સવ મોકૂફ રહ્યા બાદ હવે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 23મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે 50માં યુવક મહોત્સવનો પ્રારંભ કરાશે, આ યૂથ ફેસ્ટિવલને અમૃત કલા મહોત્સવ નામ અપાયું છે. જેમાં ત્રણ દિવસમાં પ્રાચીન રાસ, લોકગીત સહિતની 36 સ્પર્ધાઓ યોજાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુવ મહોત્સવ 16મીથી ત્રણ દિવસ યોજાવવાનો હતો. પરંતુ તેને મોકૂફ રાખવામાં આવ્યો હતો. હવે 23મી સપ્ટેમ્બરને શુક્રવારથી ત્રિદિવસીય 50મો યુવક મહોત્સવ યોજાશે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે 50માં યુવક મહોત્સવનો પ્રારંભ થશે. જે 25મી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ વખતે 33ને બદલે 36 સ્પર્ધાઓ યોજાશે. આ વખતે નવી ઉમેરાયેલી સ્પર્ધાઓમાં શોર્ટ ફિલ્મ અને કાવ્ય પઠન ઉપરાંત ઇન્સ્ટોલેશન છે. જેમાં સ્પર્ધકોએ સર્જનાત્મક રીતે ડિઝાઈન, વેસ્ટમાંથી બેસ્ટ એ પ્રકારની ક્રિએટીવ વસ્તુનું નિર્માણ કરવાનું રહેશે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, યુવક મોહત્સવમાં સાહિત્ય વિભાગમાં વક્તૃત્વ, ગઝલ, શાયરી, કાવ્ય લેખન, ડિબેટ, ક્વિઝ, કલા વિભાગમાં હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગરી, રંગોળી, ચિત્રકલા, કાર્ટૂનિંગ, કોલાજ, ક્લે મોડેલીંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબીકલા જ્યારે સાંસ્કૃતિક વિભાગમાં હળવું અને શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીતમાં તાલ અને સ્વરવાદ્ય, શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન વોકલ સોલો, લોકગીત, ભજન, દુહા-છંદ, મિમિક્રી, મૂક અભિનય, સમૂહ ગીત, વેસ્ટર્ન ગ્રૂપ સોંગ, એકાંકી, લઘુનાટક, સમૂહ ગીત, પ્રાચીન રાસ, સમૂહ લોક વાદ્ય સંગીત અને હાલરડાંની સ્પર્ધા યોજાશે.