બનાસકાંઠામાં ગ્રામ પંચાયતો પર પ્લોટ્સની હરાજી કરવા સામે મુકાયેલો પ્રતિબંધ ઉઠાવી લેવાયો
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ગામ તળના પ્લોટોની હરાજીમાં ભારે ગેરરીતિની અંગેની ફરિયાદો ઉઠતા વર્ષ-2017-18 માં પ્લોટ વેચાણ ન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. અને જિલ્લા પંચાયત કચેરી દ્વારા પ્લોટ હરાજી સ્થગિત કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. આમ વર્ષોથી ગામડાંઓમાં પ્લોટોની હરાજી થઈ શકતી નહતી. આ અંગે સરપંચો દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી. ત્યારે હવે ગાંમડાઓમાં પ્લોટેસની હરાજી કરી શકાશે એવો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. ડીડીઓએ પરિપત્ર કરતા વર્ષોથી ઘરના ઘરનું સપનું જોતા પરિવારોને લાભ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગામ તળના પ્લોટોની હરાજીમાં ભારે ગેરરીતિની અંગેની ફરિયાદો ઉઠતા વર્ષ-2017-18 માં પ્લોટ વેચાણ ન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ પદાધિકારીઓ અને અરજદારઓ દ્વારા હરાજી ચાલુ કરવા બાબતે સમયાંતરે રજૂઆતો કરવામાં આવી હતી. જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પાત્રતા ધરાવતા ગરીબ અને પછાત વર્ગના લાભાર્થીઓને પ્લોટ મળી રહે તે માટે અગાઉનો પરિપત્ર રદ કરી હરાજી પુન: શરૂ કરવાનો પરિપત્ર તા.16સપ્ટે ના રોજ બહાર પડાયો છે. જેમાં જાહેર પ્લોટોની જાહેર હરાજી કરતાં પહેલા આ અંગેનું જાહેરનામું જિલ્લા પંચાયત કચેરી, પાલનપુરના નોટિસ બોર્ડ ઉપર, ગ્રામ્ય કક્ષાએ પિકઅપ સ્ટેન્ડ, ગ્રામ પંચાયત, સરકારી પ્રાથમિક શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હાઇસ્કૂલ, દૂધ મંડળી, સેવા સહકારી મંડળીઓ, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, કલેકટર કચેરી તેમજ જાહેર સ્થળોએ જાહેર પ્રસિદ્ધિ કરવાનું રહેશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગામતળના પ્લોટની હરાજી કરતાં પહેલા પ્લોટની હરાજીની તારીખ અને સમય જણાવવાની સાથે તાલુકા વિકાસ અધિકારીએ રૂબરૂ હાજર રહી જિલ્લાના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં હરાજીની કાર્યવાહી કરવાની રહેશે. અપસેટ પ્રાઈઝ નગર નિયોજક નક્કી કરશે. હરાજીની મંજૂરી મેળવવા માટેની પ્રક્રિયા અને જાહેર હરાજીની શરતો તમામ અરજદારોને બંધનકર્તા રહેશે એમ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરએ પરિપત્રમાં જણાવ્યું છે.