મહેસાણાઃ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વને રંગેચંગે ઊજવવાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજીમાં બહુચર માતાજીના મંદિરમાં નવરાત્રિ મહાત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવશે. આદ્યશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેધ આસો સુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રીના 12 કલાકે કરવામાં આવશે. તેમજ નવરાત્રિ જવેરા ઉત્થાપન 05 ઓક્ટોબર, આસોસુદ દશમ બુધવારને સવારે 07-30 કલાકે થનાર છે. માતાજીનું ધ્વજારોહણ આસો સુદ દશમને બુધવાર 05 ઓક્ટોબરને સવારે 10-30 કલાકે કરાશે.
બહુચરાજી મંદિર ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ યાત્રાધામ બેચરાજી ખાતે આદ્યશક્તિ બહુચરાજી માતાજી મંદિરમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. 25 સપ્ટેમ્બર, ભાદરવા વદ અમસાના રોજ મુખ્યમંદિરની પ્રક્ષાલન વિધિ બપોરે 12-00 કલાકે કરવામાં આવશે. તેમજ આસો સુદ એકમ, 26 સપ્ટેમ્બરના રોજ સવારે 07-30 કલાકે ઘટસ્થાપન કરવામાં આવશે. આ ઉપરાંત શતચંડી યજ્ઞનો પ્રારંભ 01 ઓક્ટોબરના રોજ સવારે 09-15 કલાકે થશે, તેમજ તેની પૂર્ણાહુતિ 03 ઓક્ટોબરના આસો સુદ આઠમને સાંજે 04-30 કલાકે થશે.
આદ્યશક્તિ બહુચરાજી માતાજીના પલ્લી નૈવેધ આસો સુદ આઠમને સોમવાર 03 ઓક્ટોબરના રાત્રીના 12 કલાકે કરવામાં આવશે. તેમજ નવરાત્રિ જવેરા ઉત્થાપન 05 ઓક્ટોબર, આસોસુદ દશમ બુધવારને સવારે 07-30 કલાકે થનાર છે. માતાજીનું ધ્વજારોહણ આસો સુદ દશમને બુધવાર 05 ઓક્ટોબરને સવારે 10-30 કલાકે થનાર છે. આ ઉપરાંત માતાજીની દશેરાની પાલખીયાત્રા આસો સુદ દશમને બુધવારે 05 ઓક્ટોબરને બપોરે 3-30 કલાકે બેચર ગામે સમી વૃક્ષ પૂજન માટે જશે. આ ઉપરાંત આસો સુદ પૂનમની પાલખી 09 ઓક્ટોબર રાત્રીના 09-30 કલાકે નિજમંદિરથી નીકળી શંખલપુર મુકામે જશે.