અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો,ડેન્ગ્યૂના 470 અને સ્વાઈન ફ્લુના 216 કેસ નોંધાયા
અમદાવાદ:ચોમાસાની સીઝનમાં વરસાદ બાદ ગુજરાતભરમાં રોગચાળાએ માઝા મુકી છે.એક તરફ પહેલેથી જ કોરોના અને સ્વાઇન ફલૂ જેવા રોગ ફેલાયેલા છે. તેની વચ્ચે હવે મચ્છરજન્ય રોગચાળો પણ ફેલાયો છે.શહેરમાં છેલ્લા બે મહિનામાં મચ્છરોની ઉત્પત્તિનું પ્રમાણ વધ્યું છે,જેના કારણે ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે.
શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે.ડેન્ગ્યૂ, મેલેરિયા, શરદી-ઉધરસ, સામાન્ય તાવ તેમજ ઝાડા-ઉલટીના કેસ નોંધાયા છે, રોગચાળાને કાબુમાં લેવા એએમસી દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો છે.ચાલુ મહિનાના 17 જ દિવસમાં ડેન્ગ્યુના 470 જેટલા કેસો નોંધાયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસો વધ્યા છે. વરસાદ બાદ ગંદકી અને ઠેર ઠેર પાણી હજી ભરાયેલા હોવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.શહેરમાં ફોગીંગની અને દવા છટકાવની કામગીરી યોગ્ય થતી ન હોવાથી રોગચાળો વકર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડાએ જણાવ્યું હતું કે,ચાલુ માસ દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. 17 સપ્ટેમ્બર સુધીમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 470, મેલેરિયાના 135, ચિકનગુનિયાના 28 અને ઝેરી મેલેરિયા 13 કેસો નોંધાયા છે.પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 293, ટાઈફોઈડ 196, કમળાના 119 કેસો નોંધાયા છે.સ્વાઈન ફ્લૂના કેસો સપ્ટેમ્બર મહિનામાં 216 જેટલા નોંધાયા છે. જેમાં સ્વાઇન ફલૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.