મહારાષ્ટ્રઃ NIAની કાર્યવાહીના વિરોધમાં પૂણેમાં PFIના કાર્યકરોએ પાકિસ્તાન ઝીંદાબાદના સુત્રોચ્ચાર કર્યાં !
મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFIના પરિસરમાં દરોડા પાડ્યા બાદ પુણેમાં જોરદાર વિરોધ થયો હતો. પોલીસે વિરોધ કરી રહેલા પીએફઆઈના 35 થી વધુ સભ્યોને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન પુણેમાં જિલ્લા કલેક્ટર કચેરીની બહાર ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈને સુરક્ષા એજન્સીઓએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
બુંદગાર્ડન પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે 35-40 પીએફઆઈ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી, તેઓને વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ઈડી-સીબીઆઈ તથા પોલીસના દરોડા સામે પીએફઆઈના કાર્યકરો એકઠા થયા હતા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.
NIAના નેતૃત્વમાં ગુરુવારે PFI પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉગ્રવાદી ઈસ્લામિક સંગઠનના 106 નેતાઓ અને કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશમાં આતંકવાદી ગતિવિધિઓને કથિત રીતે સમર્થન આપવા બદલ PFI વિરુદ્ધ 15 રાજ્યોમાં 93 સ્થાનો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા.