વિશેષ સંયોગ સાથે આવી સર્વપિતૃ અમાસ
વિધિ-વિધાન દ્વારા કરવામાં આવેલી પૂજાને લઈને દરેક લોકોની અલગ અલગ માન્યતા હોય છે. ભારતમાં જે લોકો વેદ-વિજ્ઞાનને માને છે તે લોકો કાળ, સંજોગ, સમય, દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને જીવનના નિર્ણય લેતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે શ્રાદ્ધના દિવસોમાં આવેલી સર્વપિતૃ અમાસની તો તે દિવસ પિતૃઓની મોક્ષપ્રાપ્તિ માટે કરવામાં આવતા દરેક કાર્યને ખુબ મહત્વના ગણવામાં આવે છે. જો આ દિવસ વિશે વધારે વાત કરવામાં આવે તો ભાદરવા માસમાં આવતી અમાસ એટલે કે પિતૃપક્ષની અમાસની સવિશેષ મહત્તા છે અને આ દિવસે કરેલું શ્રાદ્ધકર્મ જરૂરથી પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
સર્વપિતૃ અમાસ 25 સપ્ટેમ્બર, રવિવારના રોજ છે.આ દિવસ એ પિતૃ પક્ષની સમાપ્તિનો દિવસ છે. અને ત્યારે તમામ પિતૃઓની શાંતિ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. જે લોકો તેમના પૂર્વજોની મૃત્યુ તારીખ નથી જાણતા તેમના માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. કારણ કે આ દિવસે એ તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.
વિશેષ સંયોગ એ છે કે આ વખતે સર્વ પિતૃ અમાસે સર્વાર્થ સિદ્ધિયોગ, લક્ષ્મીનારાયણ યોગ, બુદ્ધાદિત્ય યોગ અને કન્યા રાશિમાં ચતુગ્રહી યોગનો સંયોગ સર્જાઈ રહ્યો છે. ચંદ્ર પણ આ દિવસે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેને લીધે કન્યા રાશિમાં ચાર ગ્રહનો શુભ સંયોગ સર્જાશે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવનાર કર્મકાંડથી સવિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.
આ દિવસે આ વિશેષ ઉપાય કરવાનું ન ભૂલતા કે સર્વપિતૃ અમાસના દિવસે જાણ્યા-અજાણ્યા પિતૃઓ માટે તર્પણ, પિંડદાન, દાન, શ્રાદ્ધ કરો. ગરીબ, વિકલાંગ, અશક્ત અને અંધોને પિતૃઓ નિમિત્તે ખીર ખવડાવો, દૂધ પીવડાવો. બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપો, ભોજન કરાવો અને યોગ્ય દાન અને દક્ષિણા આપીને આશીર્વાદ મેળવો અને આ દિવસે ગાય, કૂતરા, કાગડા, કીડી અને માછલીને ખવડાવો.
ઉલ્લેખનીય છે કે આ લેખને માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.