નાસાના આર્ટેમિસ-1નું લોન્ચિંગ ત્રીજી વખત મોકૂફ,જાણો તેનું કારણ
દિલ્હી:યુએસ સ્પેસ એજન્સી નાસાએ તોફાનના ખતરાને જોતા આવતા અઠવાડિયે ચંદ્ર પર તેના રોકેટના પ્રક્ષેપણને મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.હાલમાં કેરેબિયન પ્રદેશમાં કેન્દ્રીત થયેલું આ વાવાઝોડું આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની ધારણા છે.
માનવરહિત ચંદ્ર-ભ્રમણકક્ષા પરીક્ષણ ફ્લાઇટ માટે ગયા મહિનાથી આ ત્રીજો વિલંબ છે. અડધી સદી પહેલા નાસાના ચંદ્ર મિશન પછી આ એક ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન છે. છેલ્લી વખતે હાઇડ્રોજન ઇંધણ લીક અને અન્ય તકનીકી સમસ્યાઓના કારણે લોન્ચિંગમાં વિલંબ થયો હતો.
હાલમાં કેરેબિયન પ્રદેશમાં કેન્દ્રિત તુફાન ઇયાન સોમવાર સુધીમાં વધુ મજબૂત થવાની અને ગુરુવાર સુધીમાં ફ્લોરિડાના ગલ્ફ કોસ્ટમાં લેન્ડફોલ કરશે તેવી અપેક્ષા છે.તે નાસાના કેનેડી સ્પેસ સેન્ટર સહિત ફ્લોરિડાના ઘણા ભાગોને અસર કરે તેવી અપેક્ષા છે.
નાસાએ હવામાનશાસ્ત્રની અનિશ્ચિતતાને કારણે મંગળવારે પ્રક્ષેપણ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો.નાસાના અધિકારીઓ રવિવારે નક્કી કરશે કે રોકેટને પ્રક્ષેપણ સ્થળ પરથી હટાવવું કે નહીં. જો તેને પ્રક્ષેપણ સ્થળ પર જ રાખવામાં આવશે તો 2 ઓક્ટોબરે તેને લોન્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જો તેમાં પણ વિલંબ થશે તો તેનો લોન્ચિંગ કાર્યક્રમ નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી શકે છે.
સ્પેસ લોંચ સિસ્ટમ રોકેટ એ નાસા દ્વારા બનાવવામાં આવેલ સૌથી શક્તિશાળી રોકેટ છે. અભિયાનના ભાગરૂપે, અવકાશયાત્રીઓ 2024માં આગામી મિશનની તૈયારી કરશે અને 2025માં બે લોકો ચંદ્ર પર જશે.