ઉત્તરપ્રદેશમાં ગુનેગારો કાનૂની ગાળિયો કસાયો, 62 માફિયાઓની ગેરકાયદે મિલક્ત તોડી પડાઈ
લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બીજા કાર્યકાળના છેલ્લા છ મહિનામાં અસામાજીક તત્વો સામે વધુ કાનૂની ગાળિયો કસાયો છે. મુખ્તાર સહિત 36 માફિયાઓ અને તેમના સાથીદારોને આજીવન કેદ અને બેને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી છે. ઉપરાંત, છેલ્લા છ મહિનામાં રાજ્યમાં ઓળખાયેલા 62 માફિયાઓની ગેરકાયદેસર રીતે કમાણી કરેલી મિલકતો જપ્ત કરીને તોડી પાડવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર યુપી પોલીસે માફિયા ગેંગના 860 સહયોગીઓ સામે 396 કેસ નોંધીને 400થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે. ગુંડા એક્ટ હેઠળ 174 ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત 355 ગેંગસ્ટર, રાસુકા હેઠળ 13 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને 310 હથિયારના લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યા છે.
ગેરકાયદેસર ડ્રગ્સના વેપારને રોકવા માટે એન્ટી નાર્કોટિક્સ ફોર્સની રચના કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં, બે પોલીસ સ્ટેશન ગાઝીપુર અને બારાબંકીમાં ANTF પોલીસ સ્ટેશન ખોલવામાં આવ્યું છે અને ત્રણ પ્રાદેશિક શાખા મેરઠ, લખનૌ અને ગોરખપુર ઝોનની સ્થાપના કરવામાં આવી છે. 24 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન ડ્રગ્સ માફિયાઓ સામેની ઝુંબેશમાં પોલીસે 2833 શંકાસ્પદ આરોપીઓની ઓળખ કરી હતી અને 2479 આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી અને 2277 કેસ નોંધ્યા હતા.
પોલીસે આ આરોપીઓ પાસેથી 39 કરોડ 68 લાખ રૂપિયા રિકવર કર્યા છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ 358 આરોપીઓ સામે 110 કેસ નોંધવામાં આવ્યા હતા અને 35 કરોડ 14 લાખની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે કોર્ટમાં પેરવી કરીને 188 આરોપીઓને સજા ફટકારવામાં આવી હતી.