પીએફઆઈ અંગે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર દરોડા
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓએ પીએફઆઈ સામે દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, સુરત, બનાસકાંઠા અને નવસારીમાં પણ દરોડા પાડવામાં આવ્યાં હતા. સમગ્ર રાજ્યમાંથી લગભગ 10 શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં એટીએસ અને એસઓજી સાથે મળીને એનઆઈએની ટીમે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. એનએઆઈ દ્વારા આ તપાસ ટેરર ફન્ડિંગ મામલે કરવામાં આવી છે. બનાસકાંઠા માંથી PFI સાથે સંકળાયેલા શંકાસ્પદ ત્રણ શખ્સો ની અટકાયત કરવામાં આવી હતી. SOG પોલીસે ત્રણ શખ્સો ની પૂછપરછ માટે અટકાયત કરવાના અહેવાલ સામે આવ્યા છે. બીજી તરફ આ મામલો અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસે સમગ્ર માહિતિ ગુપ્ત રાખી હતી. SOGની ટીમે અટકાયત કરાયેલા શખ્સોને વધુ તપાસ અર્થે ATSને સોંપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશ વિરોધી પ્રવૃતિઓને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એનઆઈએ, સીબીઆઈ અને ઈડી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.